વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા પોર નજીક એક ટ્રેલર ઢાઢર નદીમાં ખાબકતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેલરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રેલર બ્રીજની રેલીંગ તોડી નદીમાં ખબક્તા કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકનું કરજણ ફાયર વિભાગ દ્વારા સફળ રેસક્યું કરી બહાર કાઢવામાં આવ્યો હતો. પોર નજીક ઢાઢર નદીના બ્રિજ પરથી પસાર થતી વેળાએ વડોદરાથી સુરત તરફ જઈ રહેલા ટ્રેલર ચાલકે કોઈપણ કારણોસર સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેલર બ્રીજની રેલીંગ તોડી નદીમાં ખાબક્યું હતું.
ટેલર નીચે પડતાં ટ્રેલરના કંડકટરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. જે અંગેની જાણ કરજણ ફાયર વિભાગને કરવામાં આવતાં તાબડતોડ કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢ્યો હતો. વરણામા પોલીસે ટ્રેલરના ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ને.હા.48 પર પોર નજીક આવતાં ત્રણ ટ્રેક વાળો હાઇવે ઢાઢર નદીના બ્રિજ પાસે બે ટ્રેકમાં ફેરવાઈ જતો હોય છે. જેથી વહેલા નીકળવાની લ્હાયમાં વાહનચાલકો વાહનનો કાબૂ ગુમાવી દેતાં બ્રીજની રેલીંગ તોડી નદીમાં ખાબકતા હોવાની ઘટનાઓ બનતી હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.
યાકુબ પટેલ, કરજણ