(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):
નર્મદા કેનાલમાંથી બકનળીઓ અને પંપ હટાવી લેવા ખેડૂતોને નર્મદા નિગમની નોટિસ બાદ ગરૂડેશ્વર તાલુકાના આદિવાસી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.જેમાં તેમણે પ્રથમ એ નોટીસની હોળી કરી હતી અને બાદમાં નર્મદા ડેમનો મેઈન ગેટ બંધ કરવાની ચીમકી આપી હતી.જોકે ખેડૂતોનું આ આંદોલન જોઈ નર્મદા નિગમે માત્ર 12 કલાક માઇનોર કેનાલોમાં પાણી છોડી બંધ કરી દીધું અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોચવા પણ ના દીધું જેથી ખેડૂતો પુનઃ આંદોલનના મૂડમાં આવ્યા છે.ઉંડાવા ગામની મહિલાઓ રસ્તે ઉતરી,થાળીઓ ખખડાવી વિરોધ નોંધાવ્યો હતો. માઇનોર કેનાલોમાં નિયમિત પાણી છોડો,કેનાલોમાંથી બકનળી દ્વારા પાણી લેવા દે એવી માંગ કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.સાથે સાથે આ આંદોલન તોડવા જ નર્મદા નિગમેં પાણી છોડી પાછું બંધ કરી દીધું હોવાના આક્ષેપો અદિવાસી ખેડૂતો લગાવી રહ્યા છે.
20-20 વર્ષ સુધી કેનાલોમાં પાણી ન છોડાતા ખેડૂતો મુખ્ય કેનાલમાં બકનળી નાખીને પાણી લેતા હતા તે અટકાવવા નિગમે ખેડૂતોને નોટિસ આપ્યા બાદ ખેડૂતો ભડકયા હતા અને 4 દિવસ સુધી સતત કેનાલ પર ચક્કાજામ કર્યા બાદ નર્મદા નિગમે ઉંડવા માઇનોરમાં પાણી છોડ્યા હતા તેથી ખેડૂતો ભારે ખુશ થયા હતા.અને મુખ્ય કેનાલમાં લગાવેલી બક નળી કાઢી નાખી હતી.જો કે આ ખુશી બહુ વાર ટકી ન હતી.આ પાણી માઇનોર કેનાલ મારફતે ખેડૂતોના ખેતરમાં પહોંચે તે પહેલાંજ બંધ કરી દેવાયા હતા. જેથી આ ખેડુતો ખિજાયા હતા ત્યારે આજે આ ખેડૂતોએ ઊંઘતા તંત્રને જગાડવા તેમના કુટુંબ કબીલા સહીત ગામમાં થાળી વેલણ વગાડી પાણી આપો ના નારા સાથે ગામ ગજવ્યું હતું અને આંદોલન ચાલુ રહેશેની ચીમકી ઉચ્ચારી હતી.
આ મામલે ઊંડવા ગામની મહિલાઓએ જણાવ્યું હતું કે નર્મદા નિગમના અધિકારીઓ અમારું સાંભળતા જ નથી છેલ્લા 3 વર્ષથી પાણી માટે અમને હેરાન કરે છે.તમને નોકરી આપીશું,મફત પાણી આપીશું એવું જૂઠું બોલી સરકારે અમારી પાસેથી મીઠાના ભાવે જમીન લઈ લીધી.સરકારે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર સહિત કાઠિયાવાડ અને કચ્છના લોકોને પાણી પહોંચાડે છે એ સારી વાત કહેવાય પણ અમને પાણી માટે તડપાવે છે.જો અમને ખેતી માટે પાણી ના મળે તો અમારી ખેતી ના થાય અને અમે ભૂખ્યા મરીએ એના કરતા જળ સમાધિ લેવી આગળ પડે એમ આક્રોશ સાથે જણાવ્યું હતું.