દેડીયાપાડા ખાતે મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના હાલના અધિકૃત ગાદીપતિ – સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર અને અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં તાઃ ૨૫મી શનિવારના રોજ આધ્યાત્મિક પર્વનું રમણભાઈ ભગત તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દેડીયાપાડા ખાતે આગમન થતા આપનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આધ્યાત્મિક પર્વની શરૂઆત બાળાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન ઈશ્વરભાઈ અને રમણભાઈ કર્યું હતું.
ઉપસ્થિત વિવિધ ધર્મના લોકોને સંબોધન કરતા ડો. મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું કે જીવનયાત્રામાં માત્રા અતિશય અગત્યની ભૂમિકા ભજવે છે, ચપટી મીઠું જરૂરી હોય ત્યાં મુઠ્ઠી મીઠું અને મુઠ્ઠી મીઠું જરૂરી હોય ત્યાં ચપટી મીઠું બંને સ્વાદ બગાડે છે, તેમણે જણાવ્યું હતુ કે શંકા અને અનુમાન કોઇ પણ ક્ષેત્રે વિનાશ નોંતરે છે. જીવનમાં જયાં જયાં સુધારા જરૂરી છે, એ દિશામાં સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. સૂફી પરંપરા સાથે સંકળાયેલા વિવિધ પરીબળોને સરળ ભાષામાં સમજાવી અનુસરણ, આસ્થા અને અધ્યાત્મને પ્રાધાન્ય આપવા જણાવી વધુમાં તેમણે માનવ અવતારને અનુરૂપ જીવન જીવવા પર ભાર મૂકી અધ્યાત્મિકતા થકી જીવન જીવવાનો મર્મ સમજાવી, જીવનમાં આધ્યાત્મિકતા હશે ત્યારે જ જીવન સાર્થક થશે એમ જણાવેલ આ સાથે ગાદીની પરંપરા અનુસાર માનવતાને સ્થાન આપી શિક્ષણ મેળવવા, વ્યસન મુકિત સહિત ઘેર ઘેર વૃક્ષ વાવવા, ઘેર ઘેર સંસ્કાર આપવા ખાસ હાકલ કરી, જે ૨૧મી સદીમાં સૌ માટે ક્રાંતિનું માધ્યમ બનશે ઉમેર્યું હતું.
આધ્યાત્મિક પર્વમાં તાલુકા તેમજ જિલ્લાના ભાઇઓ, બહેનો, બાળકો, શ્રધ્ધાળુઓ સહિત ધાર્મિક અને સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, તમામ આમંત્રિત મહેમાનોના ભોજન માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સાથે મહેફિલ એ સમા તેમજ ભજનનો પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ડો.મતાઉદ્દીન ચિશ્તી સાથે તેમના નવ વર્ષના જ્યેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન ચિશ્તી પણ ખાસ ઉપસ્થિત રહી આધ્યાત્મિક પર્વના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ