વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે મંદિરમાં સ્થાપિત કરાયેલ શ્રી લક્ષ્મીનારાયણ , શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોનો ૧૯૯ મો પાટોત્સવ કારતક સુદ – બારસને શુક્રવાર તા.ર૪ નવેમ્બરના રોજ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.
વડતાલ ગાદીના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા મોટા લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજ તથા નાના લાલજી દ્વિજેન્દ્રપ્રસાદજી મહારાજે દેવોને પંચામૃત – કેસર – ચંદનથી અભિષેક કર્યો હતો. વડતાલમાં હાલ ચાલી રહેલ કાર્તકી સમૈયાના મુખ્ય યજમાન ગણેશભાઈ ડુંગરાણીની પુણ્ય સ્મૃતિમાં સત્સંગિજીવનની કથા ધામધૂમથી ચાલી રહી છે. તા.ર૧ થી શરૂ થયેલ અને ર૭ નવેમ્બર ર૦ર૩ સુધી ચાલનારા આ કાર્તકી સમૈયામાં આજરોજ બારશના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોનો ૧૯૯ મો વાર્ષિક પાટોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. સવારે પાચ વાગે ધીરેન ભટ્ટે અભિષેકનો શુભારંભ કરાવ્યો હતો. બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદ, પ્રભુતાનંદ તથા અન્ય ભુદેવો ધ્વારા દેવોને પંચામૃત સ્નાનથી અભિષેક કર્યો હતો. દરમ્યાન ૬ઃ૩૦ કલાકે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા બંન્ને લાલજી મહારાજના હસ્તે દેવોને કેસરજળ – કેસર મિશ્રિતચંદન થી અભિષેક કર્યો હતો. યજમાન પરિવારના સભ્યો અભિષેક પૂજનમાં જોડાયા હતા. આ પ્રસંગે મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ર્ડા.સંતવલ્લભ સ્વામી સહિત સંપ્રદાયના વડીલ સંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તોએ અભિષેક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સવારે ૭ કલાકે આચાર્ય મહારાજ તથા બંન્ને લાલજી મહારાજે અભિષેક આરતી ઉતારી હતી. અભિષેક બાદ મંદિરના બ્રહ્મચારીઓ દ્વારા દેવોને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. દરમ્યાન બપોરે ૧ર કલાકે આચાર્ય મહારાજ તથા બંન્ને લાલજી મહારાજે મંદિરમાં બિરાજમાન દેવોની અન્નકુટ આરતી ઉતારી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ