ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાના અનેક બનાવો સામે આવ્યા હતા, ક્યાંક ઔધોગિક એકમોમાં આગ લાગવાની ઘટનાઓ સર્જાઈ તો ક્યાંક ભંગારના ગોડાઉનો, મકાનો સહિત વાહનોમાં આગ લાગવાના છાશવારે બનાવો સામે આવી ચુક્યા છે, તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના ગત રાત્રીના સમયે નેશનલ હાઇવે 48 ઉપરથી સામે આવી હતી.
પાલેજ પાસેના વરેડીયા ગામ નજીક હાઇવે ઉપર એક ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જોત જોતામાં આગની જવાળાઓ વચ્ચે ટ્રક સળગી ઉઠતા ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી હતી, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલીકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકારો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.
આગનું જવાળાઓ વચ્ચે સળગી ઉઠેલ ટ્રક ઉપર ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી, જે બાદ ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી, ટ્રકમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.