ખેડા જિલ્લાના રંગ અવધૂત લીલા વિહારધામ ગામા ક્ષેત્ર માતરમાં નવનિર્મિત ભવ્ય દત્ત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. પાંચ દિવસના આ મહોત્સવ દરમિયાન ગુરુ મહારાજની પાદુકાનું આગમન અને પૂજનના કાર્યક્રમો, સુંદરકાંડ, વેદઘોષ, ચારવેદના ગાન, દિકપાલ મંડપ પૂજન, શિખર પૂજન ગુરુ મહારાજ ફિલ્મ પ્રદર્શન સહિત અનેક કાર્યક્રમોનો દૂર સુદૂર, દેશ વિદેશના શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. દત્ત યાગની ઉજવણી સાથે સમગ્ર મહોત્સવની પુર્ણાહુતી કરાઈ હતી.
પુર્ણાહુતી મહોત્સવ દરમિયાન કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ,માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ખેડા જિલ્લા કલેકટર કે.અલ. બચાણી, પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ રાવ,પૂર્વ ધારા સભ્ય કેસરીસિંહ સોલંકી નાયબ કલેકટર સહિત અનેક અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના શુભેચ્છા સંદેશાનું વાંચન કરાયું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન વૈદિક પરંપરા મુજબ ચાર વેદના બ્રાહ્મણો દ્વારા વેદગાન કરાયું હતું. તા.20 મી નવેમ્બરે ધજા રોહણ, ગર્ભગૃહ દીપ પ્રાગટય અને રંગ અવધૂત મહારાજ – દત્ત ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. આ પ્રસંગે અનેકવિધ આધ્યાત્મિક ગાદીના મહાનુભાવો,સંતો,મહંતો સામાજિક અને રાજકીય અગ્રણીઓ વિશ્વ હિંદુ પરિષદ અને આર. એસ. એસ.ના જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પ્રસંગે આચાર્ય કિરીટભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, રંગ અવધૂત મહારાજના શિષ્ય બાલ અવધૂતજી મહારાજના શુભ સંકલ્પોથી આ ગામા ક્ષેત્ર માતરમાં દત્ત મંદિરનું નિર્માણ થયું છે.અહીં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત હિન્દૂ સંસ્કૃતિના દેવ દેવીઓ, નવ ગ્રહનું નિરૂપણ સહિત અનેક આધ્યાત્મિક બાબતોને આવરી લેતું આ મંદિર દર્શનીય છે.નાગર શૈલી અને અષ્ટ ભદ્રી શૈલીથી માતર વાત્રક નદી તટ પરનિર્માણ થયેલુ આ ભવ્ય શીખરબદ્ધ મંદિર દર્શનીય તીર્થધામ બની રહ્યું છે.જ્યાં વૃક્ષોની વનરાજીમાં પક્ષીઓનો કલરવ પણ કર્ણ પ્રિય બની રહે છે.
નરેશ ગનવાણી : નડિયાદ