વસોના પીજ રામોલ રોડ ઉપર આવેલા મિત્રાલ પાટીયા નજીકના ઝાપડા મહારાજની ડેરી પાસેના વળાંક ઉપર પૂરપાટ પસાર થતું બાઈક ચાલકની ગફલતના કારણે રોડ સાઈડની ગટરમાં ઉતરી જતા શરીરે ગંભીર ઈજાગ્રસ્ત થયેલ બાઈક સવાર યુવક,
કિશોર તેમજ એક વૃદ્ધ મળી કુલ ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે.
પેટલાદ તાલુકાના રાવલી જુની નગરીમાં રહેતો કિરણ સોમાભાઈ
તળપદા (ઉં.વ.૨૧) તેમના સંબંધી ડાહ્યાભાઈ ધુળાભાઈ તળપદા (ઉં.વ.૬૫) (રહે.વડતાલ રેલવે ફાટક), અને ભત્રીજા અર્જુન મોહનભાઈ તળપદા (ઉં.વ.૧૦) બાઈક લઈને બામરોલી સંબંધીની ખબર કાઢવા ગયા હતા. જ્યાંથી રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે પરત આવતા રાવલી ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મંગળવારના રોજ બપોરના ૩ વાગ્યાના સુમારે એક સ્થાનિકે રોડની સાઈડની ગટરમાં એક બાઈક તથા ત્રણ લાશો જોતા તેના સ્થાનિકે તુરતજ આ મામલે વસો પોલીસને જાણ કરી હતી. વસો અને માતર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોમાં આ બનાવ હત્યાનો હોવાની શંકા પ્રવર્તી રહી હોઈ પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોર્ડ મારફતે બનાવ
અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાઈકનો ચાલક કિરણ
તળપદાએ ફુલસ્પીડ બાઈકને રોડ પરથી વળાંક લેવા જતા બાઈક સ્લીપ ખાઈ ગટરમાં ખાબકતા ત્રણેયને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી મોત નિપજયું હોવાનું સામે આવતા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
નરેશ ગનવાણી: નડીયાદ