આદિજાતિ વિસ્તાર ઝઘડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ – રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ રથ દ્વારા સરકારએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ યાત્રામા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણયુક્ત આહારનું સ્ટોલ નિદર્શન કરવામા આવ્યુ હતુ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે ટી.બી સ્ક્રિનીંગ, સિકલસેલનું સ્ક્રિનીંગ પણ હાથ ધરાયુ હતુ.
રાણીપુરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી.વંચિત લાભાર્થીઓને લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે, ગામના સરપંચ મિતાબેન વસાવા, ઉપસરપંચ તેમજ તાલુકા પંચાયત સભ્ય વિશાલભાઈ પટેલ, ગામના આગેવાન જયશીલભાઈ પટેલ, લાઇઝન અધિકારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો સહિત ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.