વડોદરા મધ્યસ્થ જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ મળી આવવાના કિસ્સા બંધ થવાનું નામ લેતા નથી. ત્યારે ફરી એકવાર જેલમાં સંડાસની બારીમાં કપડામાં વિટાળીને સંતાડેલો મોબાઇલ મળી આવ્યો હતો. કાચા અ્ને પાકા કામના કેદીની હિલચાલ પર શંકા જતા તપાસ કરી અને મોબાઇલ મળી આવ્યો હતો. જેથી બંને કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલ સ્ટાફ ક્વાટર્સમાં રહેતા સુજાનસિંહ વિજયસિંહ ચુડાસમાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે 19 નવેમ્બરના રોજ મારી ફરજ ફ્યુટી જેલર તરીકે હતી, તે સમય દરમ્યાન બપોરના સમયે સર્કલ વિભાગ યાર્ડ નં.૧૨ માં સિપાઇ રાઉન્ડ લઈ રહ્યા હતા. રવિવાર હોવાથી બપોરની જેલ બંધ થઇ નહોતી અને ખોલી નં-૦૮ માં કાચા કેદી બીજેન્દ્ર ઉર્ફે વિજેન્દ્ર ઉર્ફે લાલો ઉર્ફે ધિરેન ઉર્ફે ધીરજ રામેશ્વરપુરી ગૌસ્વામી અને પાકા કામનો કેદી રાકેશ જવા ઉર્ફે જવસીંગભાઈ માવી હાજર હતા. દરમિયાન સિપાઇઓને તેમની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી ત્યારબાદ ખોલીમાં સંડાસની બારીમાં તપાસ કરી હતી. દરમિયાન બારીમાં કપડુ વિંટાળીને છુપાવી રાખેલ એક મોબાઈલ મળી આવ્યો હતો. જેમાં બેટરી અને સીમકાર્ડ સહિત નાખેલા અને ચાલુ કન્ડિશનમાં હતો. જેથી બંને કેદીઓ વિરૂદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેલમાં અવાર નવાર મોબાઇલ મળી આવવાના કિસ્સા બનતા રહેતા હોય છે. ત્યારે જેલ સત્તાધીશોની ઉંઘ કેમ ઉડતી નથી.કેઇ રીતના મોબાઇલ સિક્યુરિટી હોવા છતાં કેદીઓ સુધી પહોંચાડાઇ રહ્યા છે ? ત્યારે જેલ સત્તાધીશોની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.
વડોદરાની મધ્યસ્થ જેલમાં કેદી પાસેથી મોબાઇલ મળ્યો
Advertisement