ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો, જિલ્લાના હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે તેવામાં સોમવારે સવારે અંકલેશ્વર પંથકના નેશનલ હાઇવે 48 ઉપરથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી.
અંકલેશ્વરના રાજપીપલા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુ ટર્ન પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, ભરૂચ પાર્સિંગની હાઇવા ટ્રક અને અમરેલી પાર્સિંગની લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલ આ અકસ્માતમાં હાઇવા ટ્રક પલ્ટી માર્યો હતો.
લક્ઝરી બસ અને હાઇવા ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માત અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસનો કાફલો ત્વરિત સ્થળ ઉપર પહોંચ્યો હતો, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી, તેમજ વાહનોને નુકશાની થઈ હોવાનું સામે આવ્યું હતું, પોલીસે અકસ્માત ગ્રસ્ત બંને વાહનોને હાઇવા ઉપરથી સાઇડ ઉપર કરાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો.