ભાવનગર પોસ્ટ વિભાગમાં પોસ્ટ મેનની અછત છે તેથી લોકોને અગત્યના કાગળો સમયસર મળતા નથી, જેના કારણે લોકોની હાલાકી વધી છે. મહેકમની સરખામણીએ પોસ્ટ મેનની સંખ્યા ખુબ જ ઓછી છે. પોસ્ટ મેનના અભાવે લોકોને અગત્યના કાગળો સમયસર મળતા ના હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. છેલ્લા લાંબા સમયથી ભાવનગરના પોસ્ટ વિભાગમાં પોસ્ટ મેનની અછત જોવા મળી રહી છે તેથી પોસ્ટ કાર્ડ સહિતના કાગળો લોકોને સમયસર મળતા નથી. આ અંગે જાગૃત નાગરીકોએ વારંવાર ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. દિવાળી પર્વમાં પણ લોકોને સમયસર અગત્યના કાગળો મળ્યા નથી તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોસ્ટ વિભાગ મારફત લોકોને ટપાલ, સરકારી કાગળો, સામાજીક અંકો સહિતના અગત્યના કાગળો મોકલવામાં આવતા હોય છે. પોસ્ટ વિભાગમાં ચાર્જ ઓછો હોય છે તેથી મોટાભાગના લોકો પોસ્ટ મારફત જ કાગળ મોકલતા હોય છે. ખાનગી કુરીયરમાં ચાર્જ વધુ હોય છે તેથી લોકો પોસ્ટ મારફત કાગળ મોકલાવે છે પરંતુ ભાવનગર શહેર-જિલ્લામાં ખાટલે મોટી ખોટ હોય તેમ પોસ્ટ મેનની અછત છે.
પોસ્ટ વિભાગમાં મહેકમની સરખામણીએ અડધો સ્ટાફ હોવાનુ ચર્ચાય રહ્યુ છે તેથી સમયસર લોકોને કાગળ મળતા નથી અને પોસ્ટ મેનો પર કામગીરીનુ ભારણ પણ વધ્યુ છે. પોસ્ટ મારફત લોકોને સમયસર કાગળ મળે તે માટે તત્કાલ પોસ્ટ મેનની ભરતી કરવા લોકોની માંગણી ઉઠી રહી છે. હાલ લોકોને પોસ્ટ મારફત સમયસર કાગળ નહી મળતા લોકોમાં નારાજગી છે અને પોસ્ટ વિભાગની છબી પણ ખરડાય રહી છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં પોસ્ટ મેનની અછત હોવાના કારણે લોકોને સમયસર કાગળો મળતા નથી. આ અંગે ભાવનગર પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, પોસ્ટ મેનની અછત છે તેથી લોકોને પરેશાની થઈ રહી છે પરંતુ પોસ્ટ મેનની ભરતી માટેની કાર્યવાહી શરૂ છે.