એક્ટિવિટી રૂમ, ટોયરૂમ, આરોગ્ય તપાસણી રૂમ, કિચન, સ્ટોર રૂમ, કિચન ગાર્ડન, રમત ગમતના સાધનો, આકર્ષિત ભીત ચિત્રોની સુવિધાઓ બાળકોને અભ્યાસ માટે કરશે આકર્ષિત કોટડા સાંગાણીના ભાડવા મુકામે રોલેક્ષ રિંગ લિમિટેડના આર્થિક સહયોગથી નિર્માણ પામેલી આંગણવાડીનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તેમજ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર મનીષ માદેકાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. દાતાના સહયોગથી અદ્યતન સુવિધાયુક્ત આંગણવાડી બનાવવામાં આવી છે. જેની અંદર એક્ટિવિટી રૂમ, ટોયરૂમ, આરોગ્ય તપાસણી રૂમ, કિચન અને સ્ટોર રૂમ જેવી સુવિધા ધરાવતું કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. બહારના ગ્રાઉન્ડમાં કિચન ગાર્ડન અને રમત ગમતના વિવિધ સાધનો પણ ફીટ કરી આપવામાં આવ્યા છે. બાળકો આકર્ષિત થાય તેવા ભીત ચિત્રો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં મદદરૂપ થઈ શકે તેવા પેઈન્ટિંગ્સથી આંગણવાડી સુશોભિત થવા પામેલ છે. કેન્દ્રમાં કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં વિવિધ શાકભાજીઓ ઉગાડવામાં આવ્યા છે. આંગણવાડી માટેની રકમ સી.એસ.આર. ફંડમાંથી મંજૂર કરાવવા માટેના પૂજાબેન જોશીના સંનિષ્ઠ પ્રયાસોથી આ આંગણવાડી કેન્દ્ર બની શકયુ છે. આંગણવાડીના લોકાર્પણ સમયે સમગ્ર ગ્રામ પંચાયત દ્વારા આકર્ષિત રીતે શણગારી લોકાર્પણ માટે ખુલ્લી મુકવા માટે તૈયાર કરાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ મનીષ માદેકા દ્વારા સરગવાના રોપાનું રોપણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સરપંચ રેખાબેન, પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી, તાલુકા પંચાયતના પ્રમુખ, સી.ડી.પી.ઓ. પૂજાબેન મામલતદારશ્રી જાડેજા, ટી.ડી.ઓ. રીદ્ધીબેન પટેલ, પી.એસ.આઇ., ગામના આગેવાનો રાઘવેન્દ્રબાપુ, ભૂપેન્દ્રસિંહ બાપુ, પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.