“દીકરી ગામ..?” જી હા.. “દીકરી ગામ…” રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ રાજ્યનું અનોખું “દીકરી ગામ” તરીકે જાહેર થયું છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના હસ્તે “દીકરી ગામ”ની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામમાં “સમરસ બાલિકા પંચાયત”ની રચના કરવામાં આવી હતી. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી પ્રવિણાબેન રંગાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આનોખા એવા “દીકરી ગામ” પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થઈ રહ્યો છે, તે આનંદની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલા સશક્તિકરણ માટે થયેલા પ્રયાસો અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, દીકરી ગામ લોકો માટે પ્રોત્સાહનરૂપ બનશે. પાટીદડ ગામને દીકરી ગામ ઘોષિત કરવા માટે આંગણવાડીની બહેનોએ ઉઠાવેલી જહેમત અને ઘરે ઘરે જઈને કરેલા સર્વેની વિશેષ નોંધ લેવાઈ હતી અને આંગણવાડી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં “બેટી બચાવો, બેટી પઢાઓ”ના શપથ પણ લેવામાં આવ્યા હતા મહત્વનું છે કે, ભારત સરકાર પુરસ્કૃત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રી સુશ્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના સહયોગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના સહકાર થકી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદડ ગામથી “દીકરી ગામ” પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. આ ગામનું દરેક ઘર પોતાની દીકરી નામે ઓળખાય તે માટે તમામ ઘર પર દીકરીના નામની પ્લેટ લગાવવામાં આવી છે.