મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સાયન્સ સિટીમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી હતી. સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઝ અને પાર્કસ ઉભા કરીને ટેકનોલોજી યુક્ત અભિગમ સાથે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચિ વધે અને ગમ્મત સાથે જ્ઞાન વર્ધન થાય તેવો અભિગમ રાખવામાં આવ્યો છે. દર વર્ષે એક-એક નવીન ગેલેરી સાયન્સ સિટીમાં નિર્માણ કરવામાં આવે છે. આ સાયન્સ સિટીમાં હાલ મ્યુઝિકલ ફાઉન્ટેન, રોબોટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને રોમાંચકારી અનુભવ કરાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં પ્રવર્તમાન ગેલેરીઝ અને વિવિધ પ્રોજેક્ટસની વિશેષતાઓ તથા તેને વધુ સુવિધા સભર બનાવવા અંગે પણ સમીક્ષા કરી હતી. તેમણે સાયન્સ સિટીમાં આગામી સમયમાં જે વધુ નવીનતા સભર આકર્ષણો ઊભા કરવાનું આયોજન છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી. સાયન્સ સિટીમાં હાલના મ્યુઝિકલ ફાઉન્ટેનના અપગ્રેડેશન અને વધુ આકર્ષક બનાવવા સાથે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું નિર્માણકાર્ય અગ્રિમ તબક્કામાં છે. હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી તેમજ એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરીનું નિર્માણ અંદાજે કુલ 750 કરોડના ખર્ચે હાથ ધરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સાયન્સ ટાવર અને બાયોડાઇવર્સિટી પાર્ક પણ ઊભા કરવામાં આવશે.