સરદાર પટેલ સમાજના ૧૨ જેટલા સમાજો તથા સંગઠનો દ્વારા સામૂહિક સરદાર જયંતિની ઉજવણી થઈ.
સરદાર જયંતિ ઉજવણીના કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓનું સન્માન નવનિયુક્ત હોદ્દેદારોને મહાનુભાવોની ઓળખ તથા સામાજિક વિશ્લેષક દ્વારા મુખ્ય વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮ મી જન્મ જયંતી નિમિત્તે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થયા હતા, ઝાડેશ્વર ખાતે સરદાર પટેલનું નવીન સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવ્યું હતું, ઉપરાંત એસપીજી દ્વારા ઝાડેશ્વર ગામથી સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ ભરૂચ નર્મદા દ્વારા સરદાર જયંતિના રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભરૂચની જેપી કોલેજ ખાતે આવેલ સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમમાં સરદાર જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના કાર્યક્રમમાં શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજના ૧૨ જેટલા પાટીદાર સમાજો તથા તેના વિવિધ સંગઠનોના આગેવાનો હોદ્દેદારો તેમજ વિવિધ ક્ષેત્રે કાર્યો કરતા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય, શાબ્દિક સ્વાગત અને પ્રસંગિક ઉદબોધન, સરદાર પટેલ પર પૂર્વ નિર્ધારિત સભ્યો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું તથા ગત વર્ષે ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા અને જિલ્લામાં વિવિધ પદો પર પાટીદાર સમાજના નવ નિયુક્ત હોદ્દેદારો અને મહાનુભાવોની ઓળખ અને તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો. સામાજિક વિશ્લેષક તરીકે મુખ્ય વક્તા દેવરાજભાઈ ચૌધરીએ ખૂબ જ રસપ્રદ માહિતી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપી હતી અને આજના રાષ્ટ્રીય એકતા દિવસને શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ સામાજિક એકતા દિવસ તરીકે પણ ઉજવે તેવી ભલામણ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ એકતા દિવસના કાર્યક્રમમાં સમય પાલન, સ્વચ્છતા, સાદગી અને સમર્પણ ની ભાવના ખાસ જોવા મળી હતી. કાર્યક્રમનું આખું સંચાલન યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.