શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં શરદ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શુક્રવારે રાત્રે ૭ થી ૧૨ વડતાલ પિઠાધીપતિ પ.પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે ભવ્ય શરદોત્સવ – રાસોત્સવ સંતો તથા ૧૦ હજારથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પ્રસંગે મુખ્યકોઠારી ડો સંત સ્વામીની પ્રેરણાથી રાજુભાઈ મેક્સવાળાએ યજમાન પદ સ્વીકાર કર્યું હતું. આ ઉત્સવમાં ઘનશ્યામ મહારાજની ફરતી ર૪ મૂર્તિઓ સાથેનો ફરતો હિંડોળો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં આવેલ હરિમંડપ પાછળ આવેલ ૩૦ હજાર ચોરસ ફૂટ જગ્યામાં નિષ્કુળાનંદ સ્વામી નિર્મિત કાષ્ઠ મંડપ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં વચ્ચે સિંહાસન પીઠિકા પર ઠાકોરજીને બિરાજમાન કરયા હતા. મંદિરમાંથી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પરંપરાગત રીતે ઠાકોરજીની પાલખી યાત્રા મંદિરની પ્રદક્ષિણા કરી ઉભી કરાયેલ માંડવડી ખાતે આવી હતી. જ્યાં આચાર્ય મહારાજ તથા પૂજારી હરિસ્વરૂપાનંદજી તથા સંતોના હસ્તે ઠાકોરજીની પૂજનવિધિ થઈ હતી. આચાર્ય મહારાજ સંતો ભક્તોએ પાંચ આરતી ઉતારી હતી. પૂજનવિધિમાં ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડો.સંતવલ્લભ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, ગોવિંદપ્રસાદ સ્વામી, વિષ્ણુ સ્વામી તથા શરદોત્સવના યજમાન રાજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા રવિ પટેલ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય મહારાજશ્રી, કોઠારી ર્ડા.સંતવલ્લભ સ્વામી અને શા. નૌતમપ્રકાશદાસજીએ પ્રસંગોચિત આશીર્વાદ પાઠવ્યા હતા. શરદોત્સવ અંતર્ગત શાસ્ત્રી નારાયણચરણદાસજી (બુધેજ)નાઓએ શરદોત્સવ મહિમા કથાનું રસપાન કરાવ્યું હતું. ત્યારબાદ યજમાન પરિવાર દ્વારા આચાર્ય મહારાજ અને વડીલ સંતોનું પૂજન કરવામાં આવ્યું હતું. સુરત કલાકુંજના ગુણાતી યુવક મંડળ અને કિર્તન ઓસ્કેસ્ટ્રાના તાલે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. રાસની રમઝટમાં સંતો-પાર્ષદો – સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, વડતાલ મંદિરના વિદ્યાર્થીઓ હરિયાળા – ભૂમેલ તથા વિદ્યાનગર ગુરૂકુલના વિદ્યાર્થીઓ તથા સેતુ ટ્રસ્ટના ૬૦ થી વધુ દિવ્યાંગ બાળકો જોડાયા હતા. તથા પ૦ થી વધુ ગામોના હરિભક્તો કીર્તન ઓસ્કેસ્ટ્રાના સંગીતના સથવારે રાસની રમઝટ બોલાવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ