(વંદના વાસુકિયા)
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ઉપસ્થિતિ રહ્યા
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત અને સર્વોદય સોસાયટીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર વિરમગામનો તૃતીય વાર્ષિક પાટોત્સવ સંસ્થાના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પુનિત ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદ વંશીય ગુરૂ પરંપરાની મૂર્તિઓનું શોડશોપચારથી પૂજન કરવામાં આવ્યું હતું અને ભગવાનને છપ્પનભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિરમગામ તેમજ આજુ બાજુના ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન સેવા સમાગમ નો લાભ લેવા ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ પણ દર્શનનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આશીર્વચન આપતા આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે જણાવ્યું હતુ કે, સેવાથી જ આ જીવાત્માની મુક્તિ થાય છે અને આ સેવારૂપી ભક્તિ ભવના, ભગવાનને બહુ ગમે છે. અનેક જન્મના સારા કર્મોના ફળ રૂપે મનુષ્ય જન્મ મળે છે અને જો મનુષ્ય જન્મની અંદર આપણને ભગવાન કે ભગવાનના સત્ય રૂપની પ્રાપ્તિ ના થાય તો મનુષ્ય જન્મ સાર્થક નથી થતો. પ્રાપ્તિ થયા પછી આપણે ભગવાન અને ભગવાનના સત્ય રૂપ કુરાજી થાય તેવુ જે કર્મ ક્યારેય ન કરવું અને ભગવાનની ભક્તિમાં અંતરાય રૂપ એવા જે વ્યસન તેનો ત્યાગ કરીએ ત્યારે જ આપણે ભગવાનની પ્રાપ્તિ થાય તે સાર્થક કહેવાય.