રાજ્યમાં હાર્ટએટેકનો બનાવો વધી રહ્યા છે. નવરાત્રિ પર્વ ટાંણે હદય હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ખેડા જિલ્લાના કપડવંજમાં હદય રોગના હુમલાથી એક કિશોરનું મોત નિપજ્યું છે.
કપડવંજમાં છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતો કિશોરને હદય હુમલો થતાં તેનું મોત નિપજ્યું છે. આ બનાવના પગલે સમગ્ર કપડવંજ પંથકમાં શોકનો માહોલ છવાયો છે. કપડવંજમાં રહેતા સામાજિક કાર્યકર રીપલ શાહનો ૧૭ વર્ષિય પુત્ર વીર ગઇ કાલે છઠ્ઠા નોરતે ગરબા રમતો હતો તે વખતે એકાએક હાર્ટ એટેક આવતાં ચાલુ ગરબાએ ગરબાના ગ્રાઉન્ડમાં ઢળી પડ્યો હતો. તેના નાકમાંથી એકાએક લોહી નીકળવા લાગ્યુ હતું. આ જોઈ આસપાસના ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો દોડી આવ્યાં હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો. ધોરણ ૧૧ મા અભ્યાસ કરતો વીર શારીરીક રીતે સ્વસ્થ હતો પરંતુ એકાએક હદય હુમલાના કારણે તેનું મોત નિપજ્યું છે. જેના કારણે શાહ પરિવારમાં ભારે શોક પ્રવર્તી ગયો છે. તો બીજી તરફ ગરબા આયોજકોએ આજે ગરબા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઘટનાથી સમગ્ર કપડવંજ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં નાની ઉંમરે વધતા જતા હદય હુમલાના કારણે અસંખ્ય લોકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યાં છે.
નરેશ ગનવાણી
નડિયાદ