ભરૂચ જિલ્લામાં આગામી દિવાળીના તહેવારો નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ દ્વારા દારૂ જુગારના કેસ ઝડપીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના તવડી ગામ પાસેથી મોટરસાયકલ પર લઇ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. ગઇકાલે ઉમલ્લા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે નર્મદા જિલ્લાના પ્રતાપનગરથી ઉમલ્લા તરફ કરજણ કેનાલ પર થઇને એક મોટર સાયકલ પર બે ઈસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને આવવાના છે.
પોલીસે મળેલ બાતમીના આધારે તવડી ગામ પાસેથી પસાર થતી કેનાલ પર વોચ ગોઠવી હતી. દરમિયાન મળેલ બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને રોકવાનો ઇશારો કરતા મોટરસાયકલ ચાલકે ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે મોટરસાયકલને કોર્ડન કરી લઇને રોડની સાઈડમાં ઊભી કરી દેતા મોટર સાયકલ પર પાછળ બેઠેલ ઈસમ અંધારાનો લાભ લઇને ઝાડી ઝાખળામાં નાસી ગયો હતો.પકડાઇ ગયેલ મોટરસાયકલ ચાલકને તેનું નામ પુછતા તેનું નામ વિકાસ વસાવા અને નાશી છુટેલ અન્ય ઈસમનું નામ રાજ વસાવા હોવાની જાણ થઇ હતી.પોલીસને તપાસ દરમિયાન મોટર સાયકલ પર રાખેલ થેલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૪૪ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો કિંમત રૂપિયા ૧૪,૪૦૦ તેમજ મોટરસાયકલ કિંમત રૂ.૧૦૦૦૦ મળી કુલ રૂપિયા ૨૪,૪૦૦ નો મુદ્દામાલ કબજે લઇને સદર બન્ને ઇસમો વિકાસ મહેશ વસાવા અને રાજ ભરત વસાવા બંને રહે.ગામ પ્રતાપનગર જિ. નર્મદાના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી