રાજયકક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-૨૦૨૩ નો શુભારંભ ગૂજકોસ્ટના મેમ્બર એડવાઇઝર નરોત્તમ સાહુ, સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય કે.જી.મારડીયા, ગૂજકોસ્ટના પી એસ.ઓ. પૂનમ ભર્ગવા, જાણીતા લોક કલાકાર નિર્લોક પરમાર, ચેતન ટાંક, કેયુર અંજારિયા, ચેતન ઠાકર દ્વારા દિપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો. ગૂજકોસ્ટના મેમ્બર એડવાઇઝર નરોત્તમ સાહુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવા માટે સરકારની આ પહેલ ખુબ જ આવકારદાયક છે. સૌરાષ્ટ્રના ૫ હજાર કરતા વધુ બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરવામાં આવ્યા છે. જેઓ પર્યાવરણને બચાવવા માટે કાર્યરત છે.
નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-૨૦૨૩ માં ૩૩ જિલ્લાઓમાંથી પસંદગી પામનાર આશરે ૩૩૦ જેટલા વિદ્યાર્થીઓ પોતાના વિજ્ઞાન આધારિત નાટક રજુ કર્યા હતા. ૩૩૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૪૨ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે, જે સ્ત્રી સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સૌરાષ્ટ્ર આવનારા સમયમાં સાયન્સ હબ બનશે. જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં સાયન્સ સેન્ટર બનાવવામાં આવશે. જેમાં મોરબી, ગીર-સોમનાથ, દેવભૂમી-દ્વારકા, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જુનાગઢ અને જામનગર ખાતે રીજીયોનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવશે, તેમ શ્રી સાહુએ જણાવ્યું હતું. દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ દ્વારા નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ (NSDF) કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળાના છઠ્ઠા ધોરણથી દસમાં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. આજના કાર્યક્રમની મુખ્ય થીમ ‘સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર ધી બેનિફીટ ઓફ મેનકાઇન્ડ’ રાખવામા આવેલ છે. આ ઉપરાંત પાંચ સબ થીમ્સ પણ આપવામાં આવેલ છે, જેમાં શ્રી અન્ન (મિલેટ્સ) – શ્રેષ્ઠ આહાર; ખાદ્ય સુરક્ષા; રોજિંદા જીવનમાં આધુનિક ટેકનોલોજી; આરોગ્ય સેવાઓમાં વર્તમાન પ્રગતિ અને સમાજમાં અંધશ્રદ્ધા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજરોજ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટનું એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગ રૂપે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-2023 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ત્રણ નાટ્ય કૃતિઓની ટીમને પ્રથમ પુરસ્કાર: રૂ 8000/-, દ્વિતીય પુરસ્કાર: રૂ 6000/- અને ત્રૃતિય પુરસ્કાર: રૂ 4000/- આપવામાં આવનાર છે. તદુપરાંત, સર્વશ્રેષ્ઠ દિગ્દર્શન (કોઈ પણ એક નાટ્ય કૃતિ માટે) : રૂ 1000/-, સર્વશ્રેષ્ઠ સ્ક્રીપ્ટ માટે (કોઈ પણ એક નાટ્ય કૃતિ માટે) : રૂ 1000/-, સર્વશ્રેષ્ઠ એક્ટર (કોઈ પણ એક નાટ્ય કૃતિ માટે) : રૂ 1000/-, સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસ (કોઈ પણ એક નાટ્ય કૃતિ માટે) : રૂ 1000/- થી પુરસ્કૃત કરવામાં આવનાર છે.