અરવલ્લી જિલ્લામાં છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે, જેમાં ખાસ કરીને ગોધરા-મોડાસા-શામળાજી હાઈવે, નેશનલ હાઈવે નંબર – 8, મોડાસા ધનસુરા- બાયડ હાઈવેનો સમાવેશ થાય છે. મોડાસા તાલુકાના ગઢડા કંપા નજીક ટ્રકને અકસ્માત નડ્યો હતો, જેમાં ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમે ટ્રક ચાલકને ભારે જહેતમ બાદ રેસ્ક્યુ કર્યો હતો.
અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 8 પર ગુરૂવારના રોજ વહેલી સવારે આશરા 5.30 કલાકે ટ્રક ચાલકને અકસ્માત નડ્યો હતો, ટ્રક નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડિવાઈડર પર ચઢી જતાં ગરનાળા પર લટકી ગઈ હતી, અકસ્માત એટલે જોરદાર હતો કે, ટ્રકના આગળના ભાગને ધક્કો વાગતા ટ્રક માં સવાર એક વ્યક્તિ ગરનાળામાં ખાબક્યો હતો જ્યારે ટ્રક ચાલક દબાઈ ગયો હતો. ટ્રકમાં મજબૂત સામાન હોવાને કારણે બંન્ને બાજુથી દબાણ આવતા ચાલકને કાઢવો મુશ્કેલ હતો. સવારના અરસામાં મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમને કોલ મળતા ફાયર વિભાગ તાબડતો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પાલિકાની ફાયર વિભાગની ટીમ તપાસ કરતા ચાલકનો પેટથી નીચને ભાગ સંપૂર્ણપણે દટાઈ ગયો હતો, જેથી ચાલકને કાઢનો લગભગ મુશ્કેલ હતો. તાત્કાલિક ફાયર જવાનોએ કટર અને સ્પ્રિડર મશિનનો ઉપયોગ કરીને ટ્રકના કેટલાક હિસ્સાને કાપી નાખ્યો હતો અને ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ફાયર વિભાગની ટીમે અંદાજે 2 થી 2.30 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારબાદ ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢીને હિંમતનગર સારવાર અર્થે ખસેડ્યો હતો.