અંકલેશ્વર શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર પર પોલીસે દરોડા પડતા ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વર બી-ડિવિઝન અને GIDC પોલીસે તેમના વિસ્તારોમાં આવેલા સ્પા સેન્ટરોમાં દરોડા પાડી 18 પૈકી 7 સેન્ટરોમાં ચાલતા દેહ વેપાર ઝડપી પાડી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વની બાબત છે કે સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા દેહ વ્યાપારની પ્રવૃતિઓ ઉપર સ્પેશિયલ ડ્રાઇવ યોજી દરોડા પાડવામાં આવ્યા છે, તેવામાં અંકલેશ્વરમાં વર્ષથી બિલાડીની ટોપની જેમ ફૂલી ફાટેલા સ્પા સેન્ટરો પર મોડે મોડે અંકલેશ્વર પોલીસે દરોડા પાડી પોતાની કામગીરી બતાડી છે.
કહેવાય છે કે અંકલેશ્વર ખાતે ધમધમતા મોટાભાગના સ્પા સેન્ટરોમાં છેલ્લા કેટલાય સમયથી દેહ વ્યાપારનો વ્યવસાય બિન્દાસ અને ખુલ્લેઆમ ચાલતો હતો. સ્પામાં મસાજ કરાવવા જતા ઈસમોને સામેથી જ કામ કરવાની ઓફરો પણ અંદર રહેતી યુવતીઓ દ્વારા આપવામાં આવતી હતી.
અત્યાર સુધી ચાલતી આવેલી આ પ્રકારની પ્રવૃતિઓથી અંકલેશ્વર પોલીસ શું અજાણ હતી,..? કે બાતમીદારો થકી માહિતી જ ન મળતી હતી..? કે હવે સ્પેશિયલ ડ્રાઇવ ક્યારે આવે અને કામગીરી બતાડવા માટે જ કાર્યવાહી કરવી હતી..? તેવા અનેક સવાલો હાલ ઉભા થયા છે ત્યારે હવે પછી તો આ પ્રકારની પ્રવૃતિઓ સ્પા સેન્ટરોમાં પોલીસ નહીં જ ચાલવા દે તેવી આશા અને અપેક્ષાઓ જાગૃત નાગરિકો સેવી રહ્યા છે.