ગુજરાતમાં આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે.આજે ત્રીજું નોરતુ છે ત્યારે ગરબા રસિકો માટે સારા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. અત્યાર સુધી રાત્રે બાર વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજુરી હતી પરંતુ હવે ગૃહવિભાગે પોલીસને મૌખિક સૂચના આપી છે કે, કોઈ પોલીસ કર્મી રાત્રે બાર વાગ્યા પછી ગરબા બંધ કરાવવા નહીં જાય. હવે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી શકશે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને મૌખિક આદેશ આપ્યો છે. પોલીસ હવેથી રાત્રે બાર વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા નહીં આવે. જેથી ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી શકશે. બીજી તરફ ગરબા આયોજકોએ પણ ગૃહરાજ્યમંત્રીના નિર્ણયને આવકાર્યો છે. નવરાત્રી પહેલાં પોલીસ તંત્રએ પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ લાઉડ સ્પીકર બાર વાગ્યા બાદ નહીં વગાડવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ગરબાને રાત્રે બાર વાગ્યા બાદ બંધ કરાવવા માટે પોલીસ સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ પર પહોંચી જતી હતી. પરંતુ હવે ગરબા રસિકો મોડે સુધી ગરબા રમી શકશે.