ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરી હાઇવે અને અંતરયાળ માં આવેલ ગ્રામ્ય વિસ્તારોના અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, તેવામાં ઝઘડિયા તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવતા 20 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ DCM શ્રી રામ કંપનીમાં મજૂરી કામ કરતા કામદારો કંપનીથી પરત કપલસાડી તેઓના રૂમ ઉપર જવા માટે નીકળ્યા હતા, ટેમ્પો નંબર GJ 19 Y 0759 MA માં સવાર થઈ કામદારો જઈ રહ્યા હતા, દરમ્યાન કપલસાડી માર્ગ પર આવતા વળાંક પાસે ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.
જે બાદ ટેમ્પો રસ્તા વચ્ચે જ પલ્ટી મારી જતા ટેમ્પોમાં સવાર 21 જેટલાં કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી,જે બાદ 108 એમ્બ્યુલન્સ થકી તમામ કામદારોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અકસ્માતની ઘટનાની જાણ ઝઘડિયા પોલીસને થતા પોલીસે મામલે સ્થળ ઉપર પહોંચી જઈ વધુ તપાસ હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે ટ્રાફિકના નીતિ નિયમોને નેવે મૂકી ટેમ્પોમાં અસંખ્ય મજૂરોને બેફામ અને બિન્દાસ અંદાજમાં જીઆઈડીસી વિસ્તારોમાં મજૂરી કામ અર્થે લઈ જવામાં આવે છે ત્યારે આ પ્રકારે નીતિ નિયમો વિરુદ્ધ બિન્દાસ દોડતા વાહનો સામે પોલીસ વિભાગે કડકાઇ દાખવવી જોઈએ તે બાબત આ અકસ્માતની ઘટના બાદથી ખુબ જરૂરી જણાઈ રહી છે.