ભરૂચ શહેરના ફ્લશ્રુતિ નગર વિસ્તારમાં આવેલ રાયલી પ્રેસ કંમ્પાઉન્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતોથી ભાડુઆત તરીકે લોકો રહેતા હોવાનું કહેવાય છે, જે બાદ આ સ્થળ ઉપરથી જમીન માલિક દ્વારા આ ભાડુઆત પરિવારોને દૂર કરવા બાબતની તજવીજ હાથ ધરવામાં આવતા મામલો કોર્ટમાં ગયો હતો, જ્યાં હજુ સુધી બંને પક્ષ વચ્ચે કેસ ચાલુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તેવામાં આજરોજ જમીન માલિક રતન ભાઈ જીમવાલા અને તેઓના કેટલાક માણસો ફલશ્રુતિ નગર વિસ્તારમાં દોડી આવ્યા હતા અને કંમ્પાઉન્ડમાં રહેલા ઝુંપડાઓની તોડફોડ શરૂ કરી હતી જે બાદ ત્યાં વસવાટ કરતા લલિતા બેન વસાવાને જાણ થતા તેઓએ અહીંયા તોડી ફોડ કેમ કરો છો સહિત કોર્ટમાં કેસ ચાલુ છે જેવી બાબતો અંગેની રજુઆત જમીન માલિકને કરી હતી.
ત્યારે જમીન માલિક સહિત તેઓના માણસોએ ત્યાં ઉપસ્થિત લલિતાબેન વસાવા સહિત નાઓને જાતિ વિષયક શબ્દોનો મારો ચલાવ્યો હતો અને ધક્કા મુક્કી કરી ઘરનું વીજળીનું કનેકશન પણ કાઢી નાખ્યું હતું, સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પીઆઇ સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.
તેમજ બંને પક્ષને પોલીસ મથકે લઈ જઈ સામ સામે પોલીસ ફરિયાદ લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, મહત્વની બાબત છે કે બંને પક્ષે પહોંચેલ ઈસમો પૈકી ઘટનામાં તોડફોડ અને જાતિ વિષયક શબ્દો બોલનાર પક્ષના લોકો પ્રત્યે પોલીસે ઢીલું વલણ અપનાવ્યું હોવાનું કહેવાય રહ્યું છે, તેમજ પાવડો, ટ્રિકમ, કુહાડી જેવા વસ્તુઓ લઈ કોઈ પણ પ્રકારની તોડ ફોડની પરમિશન ન હોવા છતાં અથવા ઓર્ડર ન હોવા છતાં તોડફોડ કરાઈ હતી અને તોડફોડ કરવા આવેલ ઈસમોને પોલીસે સ્થળ ઉપરથી જ ઝડપી પાડ્યા હતા છતાં તેઓ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરતા અને તેઓને મામલે છોડી મુકતા પોલીસની કામગીરી પણ સમગ્ર મામલે શંકા ઉપજાવે તેમ છે.
અત્રે ઉલ્લખનિય છે કે જમીન માલિક અને આદિવાસી પરિવાર વચ્ચે સર્જાયેલ આ તકરારમાં જમીન માલિક પોતે ઊંચો વર્ગદાર હોવાનું તેમજ તેને કશું જ નહીં થાય જે કરવું હોય એ કરી લ્યો જેવી બાબતોનો ઉલ્લેખ આદિવાસી પરિવાર સમક્ષ કર્યો હોવાનું કહેવાય છે, ત્યારે સામે દિવાળી એ હજુ પણ તેઓ સાથે ઝઘડો લડાઈ કરે તેવી શંકા હોય મામલે યોગ્ય કાર્યવાહીની આશ આદિવાસી પરિવાર સેવી બેઠું છે.