ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ સહિતના ભંગારના માર્કેટ આવેલા છે, પરંતુ આ સ્થળે જાણે કે તંત્રના કોઈ નીતિ નિયમો જ લાગુ ન પડતા હોય તેમ જોવા મળે છે, જ્યાં એક બાજુ અનેક ગેરકાયદેસર ભંગારના ગોડાઉનો અને ચોરીઓના માલ સામાન લેવા માટે આ સ્થળ કુખ્યાત મનાતું હોવાનું કહેવાય છે તો હવે બીજી બાજુ બેફામ અને બિન્દાસ બનેલા ભંગારિયાઓ ફૂટફાટ પર જ પોતાનો અડિંગો જમાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
અંકલેશ્વર અને પાનોલીને જોડતા નેશનલ હાઇવે 48 પર અંસાર માર્કેટ વિસ્તારમાં જાહેર માર્ગને અડીને જ ભંગારિયાઓએ પોતાનો માલ સામાન મૂકી વ્યવસાય કરવાની શરૂઆત કરતા હાઇવે ઉપર અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે તો બીજી તરફ મોટા ટ્રક અને અન્ય વાહનો પણ રોડ પર જ પાર્ક કરવા જેવી નોબત આવતા અહીંયા મોટા અકસ્માતની ઘટના સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ભંગારીયાઓના આ પ્રકારના વલણ બાદ જાગૃત નાગરિકોએ સ્થાનિક તંત્ર તેમજ ટ્રાફિક પોલીસ અને હાઇવે ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે, આખરે કોના આશીર્વાદથી ફૂટફાટ વિસ્તારમાં આ ભંગારિયાઓ ફૂલી ફાટ્યા છે તેવી બાબતો તપાસનો વિષય બની છે, તો બીજી તરફ ભંગારિયાઓની આ પ્રકારની કરતુતો સામે હાઇવે વિસ્તારમાં કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની તે બાબત પણ લોકોમાં ચર્ચાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં આવેલ ગોડાઉનોમાં અવારનવાર આગ લાગવાના બનાવો પણ બનતા આવ્યા છે, સાથે સાથે અનેક એવા શંકાસ્પદ ભંગારિયાઓની ક્રાઇમ બ્રાંચ ધરપકડ પણ કરતી હોય છે, તેવામાં જાગૃત વહીવટી તંત્ર ભંગારિયાઓને દબાણ અર્થેના પાઠ પણ ભણાવે તે અત્યંત જરૂરી જણાઈ છે.