ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર પોતાના ભાષણો થકી ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે, આ વખતે સાંસદના નિશાને નર્મદા જિલ્લા પોલીસ ખાતું આવી ચઢ્યું હતું, ડેડીયાપાડાના કોલીવાડા ગામ ખાતે ગતરોજ મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશ યાત્રામાં સાંસદ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન સાંસદ મનસુખ વસાવા લોકોને સંબોધિત કરી રહ્યા હતા તે જ વખતે તેઓએ દારૂ બંધી ઉપર સવાલો ઉભા કર્યા હતા અને નર્મદા પોલીસના લોકલ ક્રાઇમ બ્રાંચ ઉપર ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે સોલિયા ગામમાં દર મહિને 35 લાખનો પોલીસ હપ્તો લઈ દારૂ વેચાવડાવે છે.
સાથે સાથે તેઓએ તિલકવાડા વિસ્તારમાં પણ દારૂ વેચાણ થતું હોવાનું જણાવ્યું હતું, સાથે જ તેઓએ જણાવ્યું કે લોકો રાત દિવસ નશા મુક્તિના અભિયાન ચલાવે છે અને અહીંયા દારૂ અને આંકડા જેવા વ્યસનમાં યુવાનોને નાંખવાનું ધંધો કરી રહ્યા છે, ત્યારે તેઓએ કેટલાક રાજકારણીઓને પણ આ મામલે નિશાને લીધા હતા.
દારૂ બંધી મામલે નર્મદા પોલીસ વિભાગ પર સાંસદના ગંભીર આક્ષેપો અંગેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે તેવામાં હવે નર્મદા પોલીસ સાંસદના આક્ષેપો સામે શું જણાવે છે તેની ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે.