ઠાસરા પંથકમાં પિતાએ દિકરીને ભણાવી ગણાવીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો અને તે દિકરીએ થોડા દિવસોમાં ભાગી લગ્ન કર્યા લગ્ન કરેલા યુવાન જ્યારે યુવતીને એવું કહે કે મે તારી સાથે પ્રેમ સંબંધ એટલા માટે બાંધ્યો કે તારા પિતાની આર્થિક સ્થિતિ સારી છે ગામમા મોભાદાર વ્યક્તિ છે અમને આર્થિક મદદ કરશે તેમ કહી રૂપિયા બે લાખ માંગતા યુવતીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં પોતાની ભૂલ સમજાતા આ મામલે પરીણિત યુવતીએ પોતાના પતિ, સાસુ, સસરા, કાકી સાસુ, કાકા સસરા અને દાદી સાસુ સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઠાસરા તાલુકાના મંજીપુરા ગામે રહેતી ૨૨ વર્ષિય બીએસસી સુધીનો અભ્યાસ ધરાવતી યુવતીએ પોતાના માવતર વિરુદ્ધ મે માસમાં ભાગીને ગામના અન્ય જ્ઞાતીના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. કોર્ટ મેરેજ કર્યા બાદ ડાકોર પોલીસમાં આ યુગલ હાજર થતાં પોલીસે નિવેદન લીધા હતા અને યુવતી પોતાની રાજીખુશીથી સાસરીના ઘરે રહેવા ગઈ હતી. લગ્નના આઠેક દિવસ બાદ જ પતિ પોતાની પત્નીને કોઈને સાથે વાતચીત કરવા નહીં દે, ખોટા વ્હેમ રાખી મારઝૂડ કરતો હતો. તો વળી સસરા તો દારૂ પી ને ઘરે આવી ઘરના કામકાજ બાબતે તેમજ તેમના દિકરાએ પ્રેમલગ્ન તેમના વિરુદ્ધ કરેલા હોવાથી પોતાની પુત્રવધુને ગમેતેમ ગાળો બોલી હેરાન પરેશાન કરતા હતા. જ્યારે સાસુ તેમજ દાદી સાસુ પરીણિતા બાથરૂમમાં નાહ્વા જાય ત્યારે દરવાજે ઉભા રહી સતત વોચ રાખતા હતા. આ ઉપરાંત કાકા સસરા અને કાકી સાસુ પણ તેણીને ઘરમાંથી ક્યાં એકલી જવા દેતા નહોતા. આમ તમામ લોકો તેણીને નજર કેદ રાખતા તેણીની કંટાળી ગઈ હતી. તેણીના સાસુ સસરા કહેતાં કે તુ પ્રેમલગ્ન કરીને આવી છે તુ અમારા ઘરના મોભાને શોભે એવી કોઈ ચીજવસ્તુઓ દહેજમાં લાવી નથી. તુ અમારી જ્ઞાતીની નથી તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. વધુમાં પતિએ પત્નીને કહ્યું કે મે તારી સાથે પ્રેમ સંબંધ એટલા માટે રાખ્યો કે તારા પિતાની આર્થિક સ્થિતિ સારી હોય અને ગામમાં મોભાદર વ્યક્તિ હોય જેથી તારા પિતા અમને આર્થિક રીતે મદદ કરશે તે ઈરાદાથી મેં તારી સાથે લગ્ન કરેલ છે. આ સાંભળી યુવતી ચક્કર ખાઈ ગઈ વધુમાં પતિએ કહ્યું કે તારા પિતા પાસેથી રૂપિયા બે લાખ લઈ આવ મારે ધંધો કરવો છે જે માંગણી ન સંતોષાતા તમામ લોકો પીડીતા પર ત્રાસ વર્તાવતા હતા. પીડીતાના માવતર સાથે વાતચીત પણ કરવા દેતા નહોતા અને જો તું તારા મા-બાપ સાથે વાતચીત કરીશ તો તને જીવતી નહીં મેલીયે તેવી ધમકી આપતા. પીડીતા ખૂબ જ ડરી ગઈ હતી. આ વચ્ચે તકનો લાભ લઈને પીડીતાએ પોતાના મામાના દિકરાને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી જણાવેલ કે હું અહીંયા સાસરીમાં રહેવા માંગતી નથી તમે મને લઈ જાઓ તેવી વાત કરતા યુવતીના પિતા ૧૮ જુલાઇ ૨૦૨૩ એ ડાકોર પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસના માણસો યુવતીને ડાકોર પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને યુવતીએ હિંમતભેર પોતાના તમામ હકીકત પોલીસ અને માવતર સમક્ષ જણાવી હતી. ત્યારબાદ યુવતીને પોતાની ભૂલ સમજાતા તે તેણીના પિતાના ઘરે રહે છે. આ સમગ્ર મામલે પીડીતાએ પોતાની પતિ, સાસુ, સસરા, કાકી સાસુ, કાકા સસરા અને દાદી સાસુ સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ