ભરૂચ જિલ્લામાં રાજ્યના પશુપાલન વિભાગ, ગાંધીનગર અને ઈ. એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી ભરૂચ શહેરી વિસ્તાર માટે કરુણા એનીમલ એમ્બ્યુલન્સની સેવા ૯મી ઓક્ટોબર ૨૦૧૮ કાર્યરત છે.
અબોલ પશુ પક્ષીઓ માટે શરૂ કરવામાં આવેલી આ સેવા ભરૂચ શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ની સેવાને ૬ વર્ષ પુરા થવાને આરે છે. આ સેવા દ્વારા છેલ્લા છ વર્ષમાં અંદાજિત ૧૩,૬૪૨ પશુ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ૫ લાખ ૭૫ હજાર ૪૧૧ પશુઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે. જ્યારે ભરૂચ ખાતે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા ૬ વર્ષમાં ૧૩,૬૪૨ પશુઓને સારવાર આપવામાં આવી છે. જેમાં ૧૦,૫૧૪ શ્વાન, ૧,૬૨૨ ગાય, ૫૯૨ બિલાડી, ૪૭૩ કબૂતર, ૨૧૬ ગદર્ભ, ૧૮ બકરી, ૨૬ પોપટ તથા ૨૫ જેટલા કાગડાઓ, ૧૪ ચકલી તેમજ અન્ય ૧૪૨ સહિત કુલ ૧૩૬૪૨ પશુ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ સેવા તાલીમબદ્ધ કર્મચારીઓ, તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી અદ્યતન રીતે સુસજ્જ છે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે. બિન વારસી પશુ પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા આ સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન કરી અબોલ પશુઓના જીવ બચાવાય છે. તેમ જિલ્લા પ્રોજેક્ટ કોઓડીનેટર રૂપેશ દડાનિયા દ્નારા આપેલી માહિતી દ્નારા જણાવવામાં આવ્યું હતું.