અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં આવેલ પોસ્ટ ઓફિસનું સર્વર અને ઇન્ટરનેટના ધાંધિયાથી ગ્રાહકો તોબા પોકારી ઉઠ્યા છે મેઘરજ તાલુકો અંતરિયાળ અને આદિવાસી તેમજ અતિ પછાત તાલુકો હોવાથી આ તાલુકાના લોકો મુખ્યત્વે પશુપાલન અને ખેત મજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે ત્યારે શિક્ષણના અભાવે આ તાલુકાના લોકો પોસ્ટ ઓફિસમાં ખાતું તો ખોલાવી દે છે પરંતુ કર્મચારીઓ અને પોસ્ટ ઓફિસના રઢિયાર તંત્રથી સમયસર ગ્રાહકોને નાણા ભરવામાં અને મેળવવાની સુવિધાના અભાવે ગ્રાહકોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
સરકારની વૃદ્ધ પેન્શન યોજના, મનરેગા યોજના, નિરાધાર યોજના, વિધવા સહાય, તેમજ અન્ય સરકારી યોજનાના નાણા સીધેસીધા પોસ્ટ ઓફિસ મારફતે ગ્રાહકોને સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા વારંવાર પોસ્ટ ઓફિસના કર્મચારીઓને તાકીદ કરવામાં આવે છે પરંતુ મેઘરજ પોસ્ટ ઓફિસના રઢેઆળ તંત્રથી મેઘરજ તાલુકાની પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે જયારે ગ્રાહકો પોસ્ટ ઓફિસમાં નાણા ઉપાડવા કે મૂકવા કે અન્ય કોઈપણ કામકાજ અર્થે જાય ત્યારે સર્વર નથી ઇન્ટરનેટ નથી સ્ટેશનરી નથી તેવા વિવિધ પ્રકારના બાનાઓ ગ્રાહકો આગળ ધરી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ ઓફિસમાં માત્ર ટાઈમ પાસ કરી સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકશાન પોહચાડી રહ્યા છે. ગ્રાહકો પોસ્ટ ઓફિસમાં જાય ત્યારે કામકાજ બંધ છે ઇન્ટરનેટ બંધ છે ના લટકતા બોર્ડના દર્શન કરી ગ્રાહકોને વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે. મેઘરજ તાલુકાના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો આખો દિવસ બગાડી પોસ્ટ ઓફિસમાં કામકાજ અર્થે આવતા હોઈ છે પરંતુ પોસ્ટ ઓફિસમાં કામકાજ બંધ છે અને ઇન્ટરનેટ નથી તેવા કર્મચારીઓના સતત રટણથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ભોળી અને અભણ પ્રજા મેઘરજ પોસ્ટ ઓફિસના રઢેઆળ તંત્રથી ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે પોસ્ટ ઓફીસના જિલ્લાના ઉચ્ચ અને પ્રામાણિક અધિકારી દ્વારા મેઘરજ પોસ્ટ ઓફિસની ઓચિંતી મુલાકાત લઇ ગ્રાહકોને ન્યાય આપવામાં આવે તેવી પ્રજામાં માંગ ઉઠી છે.