નડિયાદના ટુંડેલ ગામે રહેણાંક મકાનમાંથી ઝેરી સાપ મળી આવતાં પરિવારના લોકોના શ્વાસ અધ્ધર થયા છે. આ ઘટનાની જાણ નડિયાદ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુરને કરાતા ઝેરી સાપને પકડી લેતા રાહતનો શ્વાસ લીધો હતો.
નડિયાદ તાલુકાના ટુંડેલ ગામે કાચા રહેણાંક મકાનમાં ગઇકાલે સાંજે એક ઝેરી સાપે દેખાતા પરિવારમાં ભારે ડરનો માહોલ ઊભો થયો હતો. જોકે, ઝેરી સાપે ઉંદર ખાઈ લેતા તે ઓછુ હલનચલન કરતો હતો. દરમિયાન પરિવારના સભ્યોએ નડિયાદના વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુર સાગર ચૌહાણને જાણ કરતાં રેસ્ક્યુર સાગર ચૌહાણ, અભીષેક કંસારા અને ઓમ કંસારાએ સ્થળ પર પહોંચી મકાનના વરંડામાંથી ઝેરી સાપને પકડી લીધો હતો. જેથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. આ સાપ અંદાજીત ૪ ફુટ લાંબો હતો, ૨૦ મીનીટની મહામહેનતે તેને એક ડબ્બામાં પુરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હોવાનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુર સાગરભાઈએ જણાવ્યું હતું. વધુમાં હાલ સાપનો પ્રજનનો સમય હોવાથી અને તેઓ પોતાના દરમાં ગરમીને કારણે અને ખોરાકની શોધમાં આ રીતે દરમાંથી બહાર નીકળી આવતા હોવાનું જણાવ્યું છે અને ક્યારેક માનવ વસાહત સુધી પહોંચી જતાં હોય છે.
નરેશ ગનવાણી : નડિયાદ