વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળની કેન્દ્રીય યોજના પ્રમાણે હિન્દુ યુવાનોમાં પોતાના પૂર્વજોના પરાક્રમનું ગૌરવ થાય તેમજ સાંસ્કૃતિક ધરોહરો તથા હિન્દુઓના ગૌરવશાલી ઇતિહાસ પ્રત્યે હિન્દુઓનું શૌર્ય જાગૃત થાય તે હેતુથી શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયું છે. જે યાત્રા ભારતભરમાં દરેક જિલ્લા સ્તર પર ફરશે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ શૌર્ય જાગરણ યાત્રા યોજાઇ હતી. બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આયોજિત શૌર્ય યાત્રા ખડ ખંડાલી ગામે આવી પહોંચતા સાજીદ ભટ્ટી ઉર્ફે સાજભા દ્વારા ફુલહાર કરી યાત્રાનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ વાગરા નગર ખાતે યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિભ્રમણ કરી આગળ ધપી હતી. જે પહાજ ગામે પહોંચતા વાગરા તાલુકા ભાજપ પ્રમુખ જીતુ ભાઈ સિંધા તેમજ મુસ્લિમ અગ્રણી હમિદ રાણાએ શૌર્યયાત્રાનું સ્વાગત કરાયું હતું.
અત્રે નોંધનીય છે કે ખડ ખંડાલી તેમજ પહાજ ગામે મુસ્લિમ સમાજના અગ્રણીઓ શૌર્યયાત્રાનુ સ્વાગત કરી કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.શૌર્યયાત્રા પહાજ, ઓચ્છણ, કેસવાણ, ત્રાંકલથી ગોલાદરા, નરણાવી, કડોદરા, વાવ, જી.એ.સી.એલ ચોકડી થઈ દહેજ, લખીગામ, જાગેશ્વર પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉક્ત શૌર્યયાત્રામાં જિલ્લા લેવલથી બાઇક સવારો યાત્રામાં સામેલ થયા હતા. વધુમાં આમોદ-જંબુસર સહિત વાગરા નગરના મોટરસાયકલ સવારો પણ જોડાયા હતા. યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બે ડી.વાય.એસ.પી તથા પોલીસ ઇન્સપેક્ટર તેમજ પી.એસ.આઈ સહિત અનેક પોલીસ જવાનો ઉપરાંત જી.આર.ડી. ના સહયોગીઓ બંદોબસ્તમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં યોજાયેલ શૌર્યયાત્રા દરમિયાન સેલંબા નગર ખાતે કેટલાક અસામાજિક તત્વોએ કાંકરિચાળો કરતા બે સમુદાય વચ્ચે ઘર્ષણ સર્જાતા અશાંતિ ફેલાઈ હતી. પરંતુ વાગરા નગરના જાગૃત તેમજ સમજુ નાગરિકો અને વાગરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતા બા જાડેજાની કુનેહપૂર્વકની કામગીરીને પગલે શૌર્યયાત્રા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા પામી હતી.
નઈમ દિવાન-વાગરા
વાગરા ખાતે આવેલ શૌર્ય યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Advertisement