સુરતમાં નવરાત્રિને લઈને આગોતરું આયોજન શરૂ થઈ ચૂક્યું છે. જોકે, નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઇને ખેલૈયાઓને ખલેલના પહોંચે તે માટે સુરતમાં સૌપ્રથમ વખત 25 હજાર લોકોની કેપીસીટી ધરાવતો એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે જ વધતા જતા હાર્ટ એટેકની ઘટનાને લઈને અને ડોક્ટરોની ટીમ પણ નવરાત્રી દરમિયાન તૈનાત રહેશે.
સુરત શહેરની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે. ત્યારે આ વખતે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સૌપ્રથમ 25 હજાર લોકોની કેપીસીટી ધરાવતું એસી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવશે. ખાસ આ વર્ષે નવરાત્રી દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેથી ખેલૈયાઓને ખલેલ ન પહોંચે તે માટે વીઆઈપી રોડ ખાતે જી નાઇન નવરાત્રી મહોત્સવ દ્વારા ત્રણ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં એક ડોમની અંદર સેલ્ફી પોઇન્ટ બીજાની અંદર રેસ્ટ હાઉસ અને ત્રીજા સૌથી મોટા ડોમની અંદર ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે.
હાલમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં પણ વધારો થયો છે, જેથી કોઈપણ ખેલૈયાઓને ગરબા રમતા કોઈપણ પ્રકારની તકલીફ પડે તો તેના માટે આઈસીયુ સાથેની સુવિધા વાળી એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી છે. સાથે જ આઠ જેટલા ડોક્ટરોની ટીમ પણ નવરાત્રી દરમિયાન ખડેપગે હાજર રહેશે. કોઈ પણ ડાયાબિટિસ કે બ્લડપ્રેશરના દર્દી દવા લેવાનું ભૂલી ગયા હોય તો તેમને જી નાઈન ગ્રૂપ દ્વારા નિ:શુલ્ક દવા આપવામાં આવશે. જી નાઇન ગ્રૂપ દર વર્ષે સુરતના સરસાણા ખાતે આવેલા કન્વેન્શન હોલમાં નવરાત્રીનું આયોજન કરતા હતા. પરંતુ સુરત શહેરમાં આ વર્ષે ખેલૈયાનો ઉત્સાહ જોઈ અલગથી એસી ડોમ તૈયાર કરી 25 હજાર લોકો એક સાથે ગરબા રમી શકે તે પ્રકારનું અલાયદુ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ મેલ અને ત્રણ ફિમેલ કલાકારો સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવશે