સુરત જિલ્લામાંથી વધુ એકવાર ડુપ્લિકેટ અધિકારી બની રૂપિયા પડાવતા તોડબાજને પોલીસે ઝડપી પાડ્યા છે. ભાગેબાજે ડુપ્લિકેટ પોલીસ નહિ પરંતુ ડુપ્લિકેટ ડેપ્યુટી કલેક્ટર બની રૂપિયા પડાવ્યા હતા. જમીન સંપાદનમાં ટેન્ડર ભરી પૈસા રોકો તો સારું કમિશન મળવાની લાલચ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવ્યા હતા. જો કે, માંડવી પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
કેટલાક તોડબાજો રૂપિયા કમાવવા માટે અનેક કિમીયાઓ અપનાવતા હોય છે. નકલી અધિકારી બનીને કે અધિકારીના વહીવટદાર બનીને રૂપિયા ખંખેરી લેવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નકલી પોલીસ બનીને તોડની ઘટના સામાન્ય બની ગઈ છે. જોકે હવે કેટલાક લોકો જેતે સરકારી તંત્રના અધિકારીઓ બનીને રૂપિયો પડાવી રહ્યા છે. ક્યારેક GPCBના અધિકારી તો કયારેક કલેક્ટ કચેરીની ઓળખ આપી રૂપિયા ઉઘરાણીની ઘટના સામે આવી છે. હાલ જે ઘટના સામે આવી છે તેમ એક મહિલાએ પોતાની ઓળખ કોઈ નાના અધિકારીની નહી પરંતુ પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવી લીધા છે.
સમગ્ર કિસ્સાની વાત કરીએ તો માંડવીના તારાપુર ખાતે રહેતા વૃદ્ધ ખેડૂત રામૂભાઈ દેવજીભાઈ ચૌધરી 2007માં સરકારી નોકરીમાંથી નિવૃત થયા છે. ખેડૂત રામૂભાઈની ઓળખાણ જેતે સમયે નેહા પટેલ સાથે થઈ હતી અને તે દરમ્યાન નેહા પટેલે પોતે નાયબ કલેક્ટ હોવાની ઓળખ આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ વિકાસની કામગીરી કરું છું સિનસપાતા કરી ભેજાબાજ નેહા પટેલે ખેડૂતને જમીન સંપાદનમાં ટેન્ડર ભરી પૈસા રોકો તો સારું કમિશન મળવાની લાલચ આપી પ્રથમ વારમાં 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ ટુકડે ટુકડે કરી 22,28,000 જેટલી માતબર રકમ પડાવી લીધી હતી.
ખેડૂતને પોતાનું કમિશન તેમ જ રકમ ન મળતા નેહા પટેલ વાતચીતમાં ગલ્લા તલ્લા તેમ જ યોગ્ય ઉત્તર ન આપતા ખેડૂત પોતે ઠગાયા હોવાનું જણાયું હતું, જેથી ખેડૂત રામૂભાઈ ચૌધરીએ સમગ્ર કેફિયત માંડવી પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. માંડવી પોલીસે સમગ્ર બનાવ મામલે ઠગબાજ નેહા પટેલની અટકાયત કરી નેહા પટેલની પૂછપરછ હાથધરી હતી, જેમાં નેહા પટેલે પોતે ખોટી ઓળખ ઊભી કરી રૂપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરતા માંડવી પોલીસે નેહા પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મહત્ત્વનું છે કે નેહા પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતી હોવાનું સામે આવી રહ્યું છે. તેણીએ થોડા સમય અગાઉ સુરત શહેરમાં પણ એક બિલ્ડર સાથે જમીન આપવામાં મામલે અધિકારી બની રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. માત્ર આટલું જ નહિ પણ અગાઉ નેહા પટેલ ડેડિયાપાડા ખાતે ડી.વાય.એસ.પીનો સ્વાંગ રચી સરકારી નોકરી અપાવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી ચૂકી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે પોલીસ ઠગબાજ નેહા પટેલને કડકમાં કડક કાર્યવાહી કરી સજા મળે તે જરૂરી છે.