“સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો સદ ઉપયોગ”
એક સારો સદવિચાર અનેક માટે ઉપયોગી થાય છે અને જો વાત સદભાવનાની હોય તો સહિયારો પ્રયાસ કોઈપણ સમસ્યાનું સમાધાન લાવી શકે છે. આવો જ એક કિસ્સો અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કાંઠાના ગામો માટે ઉપયોગી બન્યો છે. નર્મદા નદી કાંઠાના અંકલેશ્વર તાલુકાના મોટાભાગના ગામડાઓ પૂરની અસરને કારણે ખૂબ જ કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યા છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા ડો. માર્કંડકુમાર માવાણીને શિક્ષકો દ્વારા માહિતી મળી કે પૂરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારમાં લોકો પાસે હજુ પણ પહેરવા લાયક કપડા પૂરતા પ્રમાણમાં નથી. આ બાબતને તેઓએ તેમની સુરતના ઉત્રાણ ખાતે આવેલી શાંગ્રીલા હાઇટ્સ રેસીડેન્સીના પ્રમુખ ભીખાભાઈ પાલડીયા ને વોટસએપ મેસેજ દ્વારા જાણ કરી.
ભીખાભાઈએ આ મેસેજ સોસાયટીના તમામ ગ્રુપમાં તેમજ ઉત્રાણ ખાતેની અન્ય સોસાયટીના પ્રમુખોને જાણ કરી. સોશિયલ મીડિયાના આ મેસેજ દ્વારા માત્ર ત્રણ દિવસમાં લગભગ 2000 કરતા પણ વધુ કપડાની જોડીઓ ઉપલબ્ધ બની. જેમાં પહેરવા લાયક જુના તેમજ નવા કપડાનો જાણે ગંજ ખડકાઈ ગયો. આ કપડાને બાળકો, મહિલાઓ અને પુરુષો જેવા વિભાગોમાં વિભાજીત કરીને એક ટેમ્પો દ્વારા જુના દીવા, બોરભાઠા અને બોરભાઠા બેટ જેવા ગામોમાં શિક્ષકોની મદદથી વિતરણ કરવાનું કાર્ય શક્ય બન્યું છે. આમ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ સદકાર્યો માટે ખૂબ મહત્વનું બની રહે છે.