અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થિત ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલમાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવતો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો અને વાલીઓએ મોટો હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને લઈને હિંદુ સંગઠનોનો વિરોધ ચાલુ થઈ ગયો છે. વધી રહેલા વિરોધને જોતાં કેલોરેક્સ સ્કૂલમાં એક દિવસની રજા જાહેર કરીને આજે કેલોરેક્સ સ્કૂલ બંધ રાખવાન નિર્ણય કરાયો છે. કેલોરેક્સ સ્કૂલ સંચાલકોએ વાલીઓને મેસેજથી જાણ પણ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદના ઘાટલોડિયામાં કેલોરેક્સ સ્કૂલમાં નમાઝ અદા કરવા મામલે વીડિયો વાયરલ થતાં હિન્દુ સંગઠનો અને વાલીઓએ સ્કૂલમાં જઈને વિરોધ કર્યો હતો. બાળકો પાસે નમાજ અદા કરાવનારા શિક્ષકને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે. સમગ્ર મામલે લેખિત ખુલાસો આપવા માટે આજે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલને નોટિસ પાઠવી સત્વરે ખુલાસો આપવા જણાવ્યું છે. ધાર્મિક લાગણી દુભાઇ એવો કોઈ પણ પ્રકારનો સ્કૂલે પ્રયાસ કરવો ન જોઈએ.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ ખાતે ઈદના આગલા દિવસે વિદ્યાર્થીઓ માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીએ નમાજ પઢી હતી અને નમાજ વિશે માહિતી આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ આ મામલે વાલીઓ અને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. વાલીઓ અને હિન્દુ સંગઠનો સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રિન્સિપાલ ઓફિસમાં બેસી હનુમાન ચાલીસા રામધૂન બોલાવી હતી. તેમજ પ્રિન્સિપાલના રાજીનામાની માગ કરી હતી. રાજીનામું ન આપે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બાદમાં સ્કૂલે સ્કૂલના લેટરપેડ પર લેખિતમાં માફી માગી લીધી હતી. ત્યાર બાદ ટોળાએ સ્કૂલના શિક્ષકને દોડાવી દોડાવીને માર માર્યો હતો.