ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં ખાસ કરી ગ્રામ્ય અને હાઇવે વિસ્તારોમાં અકસ્માતની સંખ્યામાં ચાલુ વર્ષ દરમ્યાન વધારો નોંધાવવા પામ્યો છે, તેવામાં વધુ એક અકસ્માતની ઘટના વાગરા તાલુકામાંથી સામે આવી હતી.
વાગરા તાલુકાના વહીયાલથી કોઠીયા જવાનાં માર્ગ પર ગત રાત્રીના સમયે એક ટ્રેક્ટરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ટ્રેક્ટર રોડની બાજુમાં આવેલ કાંસમાં ઉતારી દેતા ટ્રેકટર પલ્ટી માર્યું હતું, જે ઘટનામાં ટ્રેકટર ચાલક આધેડનું ટ્રેક્ટર નીચે દબાઈ જતા મોત નીપજ્યું હતું.
અચાનક સર્જાયેલ અકસ્માતની ઘટના બાદ લોક ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા અને ક્રેઇનની મદદથી ટ્રેકટરને બહાર કાઢી મામલા અંગે વાગરા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસના કર્મીઓએ સ્થળ ઉપર દોડી જઈ મૃતકની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલા અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.