માંગરોળ તાલુકાનું વાંકલ ગામનો ડગલેને પગલે વિકાસ થઈ રહ્યો છે ગામ શિક્ષણ નગરી બની રહી છે ગામની વસ્તી અને વેપારીઓનું બજાર અને બજારમાં ચોરીના બનાવો ના બને તે માટે માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી પાંચ લાખ રૂપિયાના ખર્ચે વાંકલ પંચાયત ભવન ખાતે ૧૬ જેટલા સીસીટીવી કેમેરાનું એક અઠવાડિયા પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દરેક ફળિયામાં અને મેઇન રોડ પર કેમેરા મુકવામાં આવ્યા હતા જેથી કોઈ ઘટના બને તો સીસીટીવી કેમેરાના માધ્યમથી ઘટના સુધી પહોંચી શકાય પરંતુ મેઇન બજારથી સ્વામિનારાયણ મંદિર તરફ જતા માર્ગ પરથી સીસીટીવી કેમેરાનો કેબલ વાંકલ વીજ કચેરીનો સ્થાનિક લાઈનમેને બેદરકારી દાખવી લાઈટના પોલ પરથી પસાર થતો કેબલ કાપી નાખતા મેઇન રોડ પરના છ જેટલા કેમેરા છેલ્લા ત્રણ દિવસથી બંધ થઈ ગયા હતા. આ બાબતની જાણ કોન્ટ્રાક્ટરને કરવામાં આવતા સુરતથી સ્પેશિયલ મશીન દ્વારા આ કેબલને જોઈન્ટ કર્યા બાદ ફરી મેઇન રોડના છ જેટલા કેમેરા કાર્યરત થશે. કેમેરા બંધ હાલતમાં હોવાથી રવિવારે સાંજે મેઇન રોડ પર બસ સ્ટેન્ડની સામે આવેલ શાકભાજીની દુકાનમાં જ મોબાઈલ ચોરીની ઘટના બની હતી. મોબાઇલની શોધખોળ કર્યા બાદ ગ્રામ પંચાયત ખાતે સીસીટીવી કેમેરાનું ફૂટેજ ચેક કરવા જતા કેમેરા બંધ હાલતમાં હોવાથી મોબાઈલ ચોરીની ધટના જાણી શકાય ન હતી. વાંકલ પંચાયત દ્વારા આ બાબતની યોગ્ય તપાસ હાથ ધરી મેઇન રોડ પરના ૬ જેટલા કેમેરા તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ