દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીના અધ્યક્ક્ષસ્થાને ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૨૩-૨૪ માટે સબકી યોજના સબકા વિકાસ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના હલદર ગામ ખાતે ગ્રામસભામાં ઉદ્દેશો સિધ્ધ થાય અને વધુ લોકભાગીદારી વધે તેવા હેતુઓ સાથે ગ્રામસભા યોજાઈ હતી.
ભરૂચ જિલ્લાના હલદર ગામ ખાતે યોજાયેલી ગ્રામસભામાં તલાટી દ્નારા વિકાસના કામોનું સરવૈયું, સબકી યોજના સબકા વિકાસ અન્વયે વિવિધ મુદ્દાઓ ધ્યાને લઈ સરકારની યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા.
સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ અંતર્ગત અભિયાનમાં કરેલ કામગીરી ગ્રામસભામાં રજુ કરાઈ હતી. ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ જલ જીવન મિશન” કાર્યક્રમ હેઠળ જલ સે નલ યોજનાની કામગીરીની ગ્રામ સભામાં ચર્ચા કરવામાં આવી હતી. તે સાથે ગ્રામસભામાં બાળકી તથા સગર્ભા માતા, ધાત્રીમાતા તથા કિશોરીઓના પોષણ સ્તરની સમીક્ષા અને પોષણ સ્તર ઉંચુ લાવવા અંગે, તેમના શિક્ષણ, આરોગ્ય, પરિવાર નિયોજન તેમજ અન્ય મહિલાઓ તેમજ બાળકો માટે સ્થાનિક કક્ષાએ થતી મુશ્કેલીઓ બાબતે પણ ચર્ચા કરવાની કરવામાં આવી હતી.
આ ગ્રામસભા દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોષીએ કહ્યું કે, ગ્રામસભાના માધ્યમથી ગ્રામજનોને પડતી સમસ્યાઓ, પ્રશ્નોનું નિરાકરણ થશે. ઉદ્દેશો સિધ્ધ કરવા ગ્રામસભાના અનુરોધ બાદ વહીવટીગુંચના પ્રશ્નો ઉકેલવા તંત્ર સંકલ્પબધ્ધ છે. વધુમાં, સમાજના દરેક વર્ગના લોકો માટે સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. જન્મ પહેલાથી મૃત્યુ સુધી આધાર બને તેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તે ઉપરાંત મહિલા મંડળ બનાવવાના ફાયદાઓ અને કેવી રીતે આ મહિલાઓ આર્થિક ઉપાર્જન કરી પોતાના ઘરમાં મદદરૂપ બની શકે માટે બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે, હલદર ગ્રામસભામાં ગ્રામજનોએ એસટી બસની સમસ્યા, ગેસ પાઈપ લાઈન, નવા પંચાયત ઘર અને આંગણવાડીના પ્રશ્નોની રજૂઆતો કરી હતી. રજૂઆતો સાંભળી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોષીએ પ્રશ્રોનું સુખદ સમાધાન કરી આપવાની હૈયાધારણાં આપી હતી. ગામની વિઝીટ દરમ્યાન ગંદકી અને ઘનકચરા વ્યવસ્થાપન પર ભારમૂકી માટે વિવિધ સૂચનો આપ્યા હતા. ડોર ટુ ડોર ઘન કચરા નિકાલની સુવિધા માટે ઉપસ્થિત કર્મચારીઓ અને પદાધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત, ભરૂચ જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં ગ્રામસભામાં લોકભાગીદારી વધે તેવા હેતુઓ સાથે ગ્રામસભાઓ યોજાઈ હતી. જેમાં ગામના આગેવાનો, ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા પદાધિકારીઓ અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે, હલદર ગામના સરપંચ જયશ્રી બેન, ગ્રામપંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સંભ્ય તેજસ્વીની પટેલ, પાણી સમિતિની બહેનો, આંગણવાડીની બહેનો, તલાટી ક્રમમંત્રી અમિશાબેન ચૌહાણ, સ્કુલના આચાર્ય તેમજ ગામના આગેવાનો, નાના ભૂલકાંઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.