હાંસોટની પંડવાઈ સુગર ખાતે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સુગર ફેક્ટરીઓ અને ખેડૂતોને એવોર્ડ એનાયત કરાયા હતા.
ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા સંઘની 57મી વાર્ષિક સાધારણ સભા હાંસોટ પંડવાઈ સુગર ફેક્ટરીમાં યોજાઈ હતી આ પ્રસંગે રાજ્યનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સંઘના પ્રમુખ માનસિંહ પટેલ સહિત આમંત્રિતો અને વિવિધ સુગર ફેક્ટરીનાં સભાસદો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉજ્જવળ દેખાવ કરનાર સુગર ફેક્ટરીઓ અને ખેડૂતોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ ટેક્નિકલ પર્ફોમન્સનો પ્રથમ એવોર્ડ ગણદેવી સુગર ફેક્ટરી, બીજો એવોર્ડ હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરી ને અને ત્રીજો એવોર્ડ મઢી સુગર ફેક્ટરી તથા વાલીયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીને સયુંકત રીતે એનાયત કરાયો હતો.
આ ઉપરાંત 10 ખેડૂતોને પણ વિશેષ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ જણાવ્યું હતું કે રાજ્ય સુગર સંઘ દ્વારા પોતાના વિસ્તાર પ્રશ્નો એક મંચ પર આવી રજુ કરી સમસ્યા નું નિદાન કરાય છે. જે આવકાર દાયક બાબત છે. સહકાર ક્ષેત્રે તેમના પ્રશ્નો મારી પાસે આવતા તેને પણ મારા લેવલ થી હલ કર્યા છે. તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ માફી ની જે સ્કીમ લાવી છે તે થકી સુગર ફેક્ટરી તેમજ ખેડૂત સભાસદો ફાયદો થાય તે દિશામાં અમારા પ્રયત્નો હંમેશા રહેશે.