માંગરોળ તાલુકાના ચરેઠા ગામે જીઆઇપીસીએલ કંપની માટે જમીન સંપાદન પ્રક્રિયા અંતર્ગત પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં યોજાયેલ ગ્રામસભામાં ખેડૂતો એ જમીન સંપાદન પ્રક્રિયાનો પ્રચંડ વિરોધ કરી કંપનીને જમીન નહીં આપવાનો સામૂહિક નિર્ણય કર્યો હતો.
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત જીઆઇપીસીએલ કંપની લિગ્નાઇટ માટે ત્રીજા તબક્કામાં 11 જેટલા ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં અગાઉ આમનડેરા, નાની પારડી, હરસણી, સહિતના ગામોમાં યોજાયેલી ગ્રામ સભામાં જીઆઇપીસીએલ કંપનીને જમીન નહીં આપવાનો ખેડૂતોએ ઠરાવ કરાવ્યો હતો. ત્યારબાદ ચરેઠા ગામે પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર ની અધ્યક્ષતામાં ગ્રામસભાનો પ્રારંભ થયો હતો આ સમયે ખેડૂતોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો જેમાં ગામજનો એ જણાવ્યું કે અમારી મહત્તમ ખેતીલાયક ફળદ્રુપ જમીનો સને વર્ષ 1995 માં જીઆઇપીસીએલ કંપની દ્વારા લેવામાં આવી હતી ત્યારબાદ ફરી બીજા તબક્કામાં વર્ષ 2009 માં જમીન સંપાદન પ્રક્રિયા શરૂ કરાતા ખેડૂતો એ બચેલી જમીન જીવન ગુજારા માટે ખેડૂતો પાસે રહેવા દેવાની રજૂઆત કરવામાં આવી હતી છતાં કંપની દ્વારા જમીન સંપાદન પ્રક્રિયા તે સમયે કરાતા ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટનો સહારો લીધો હતો અને ત્યારબાદ સને વર્ષ 2013 માં હાઇકોર્ટે ખેડૂત તરફથી ચુકાદો આપી જમીન સંપાદન પ્રક્રિયા અટકાવી દીધી હતી પરંતુ હાઇકોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં કંપની દ્વારા ફરી બિનઅધિકૃત રીતે અમારી જમીનો લેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગ્રામસભામાં ઉપસ્થિત તમામ ખેડૂત ખાતેદારોએ કંપનીને જમીન નહીં આપવાનો સામૂહિક નિર્ણય કરેલ છે તેવો સ્પષ્ટ અભિપ્રાય ગ્રામસભામાં રજૂ કરાયો હતો. કંપનીએ ભૂતકાળમાં જમીન સંપાદન કર્યા પછી પર્યાવરણ જાળવણીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં સરકારના નીતિ નિયમો અંતર્ગત રોજગારી આપી નથી આ વિસ્તાર બંધારણની કલમ 5 હેઠળ છે અને સરકારના પૈસા એક્ટ ની જોગવાઈઓ લાગુ ત્યારે ગ્રામસભાનો નિર્ણય સર્વોપરી છે જેની નોંધ લેવા ખેડૂતોએ જણાવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ