અંકલેશ્વર ગત 9 સપ્ટેમ્બરના રોજ ભરૂચ એસ.ઓ.જી પી.આઈ. આનંદ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે હાઇવે પર આવેલી ચાચા હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રકની તલાશી લેવામાં આવતાં તેમાંથી પ્લાસ્ટિક બેગમાં પ્રવાહી જથ્થો મળી આવ્યો હતો. જે રસાયણ શું છે તે જાણવા જીપીસીબીને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી.
અને પ્રાથમિક આ કેમિકલ વેસ્ટ પ્રવાહી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વધુ તપાસના ભાગરૂપે નમૂના એફએસએલમાં મોકલ્યાં હતાં અને ટ્રક અને કેમિકલ મળી 9.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ટ્રક ચાલક નાગેન્દ્ર લખીચંદ યાદવની અટક કરી વધુ પૂછપરછ આદરી હતી. જેમાંકેમિકલ વેસ્ટ અંકલેશ્વરની સૂર્યા લાઈફ સાયન્સ કંપનીમાંથી 92 જેટલા બેરલમાં ભરીને વાપી ખાતે ગેરકાયદે રીતે નિકાલ માટે મોકલવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું.
જોખમી કેમિકલ વેસ્ટના બારોબાર ગેરકાયદે નિકાલ બદલ કંપની એમ.ડી. યશ અરૂણ જોષી, પ્લાન્ટ હેડ રમેશચંદ્ર અમરનાથ દુબે, આકાશ ટ્રાન્સપોર્ટ માલિક અને ટ્રક ડ્રાઈવર નાગેન્દ્ર લખી ચંદ યાદવ સામે પાનોલી પોલીસ મથકે પર્યાવરણ, જીવસૃષ્ટિને જોખમમાં મુકવા બદલ ગુનો દાખલ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેમિકલ વેસ્ટના જાહેરમાં નિકાલની ફરિયાદો બાદ પોલીસ વિભાગ સતર્ક બન્યું છે.