ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વિસ્તારમાં ખાનગી વાહન ચાલકો અને ઇકો ચાલકો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, ગાડીમાં ઘેટાં બકરાની જેમ જ્યાં એક તરફ લોકોને બેસાડવામાં આવે છે તો બીજી તરફ રસ્તા વચ્ચે જ વાહનો ઉભા કરી દઈ ટ્રાફિકની સમસ્યાને આમંત્રણ આપવામાં આવે છે.
ખાસ કરી ઉમલ્લા, રાજપારડી અને ઝગડીયા ચોકડી વિસ્તારમાં આ પ્રકારના અનેક વાહનો જોવા મળતા હોય છે, પોલીસ સહિત BTET ના જવાનોની હાજરી છતાં કાયદાના લીરેલીરા ઉડાવવામાં આ વાહન ચાલકો કોઈ કસર બાકી રાખતા ન હોય તેવી બાબતો આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
ઇકો અને તુફાન જેવી ગાડીઓમાં નિયમોને નેવે મૂકી આડે ધડ લોકોને બેસાડી આ વાહનો વહન થતા હોય છે, ત્યારે હાથ પર હાથ દઈ ઉભી રહેલ પોલીસના કર્મીઓ આવા વાહન ચાલકો સામે કેમ કોઈ પ્રકાર ની કાર્યવાહી નથી કરતા તે એક સૌથી મોટો સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે, મહત્વનું છે કે આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ હોય અહીંયા સતત વાહન વ્યવહાર ચાલુ રહેતો હોય છે, તેવામાં બેફામ અને બિન્દાસ બની નિયમો ને નેવે મૂકી ફરતા વાહન ચાલકો કોઈક મોટા અકસ્માત ને અંજામ આપશે ત્યારે જ પોલીસ વિભાગ કે આરટીઓ વિભાગ એક્શન માં આવશે..? તેવી ચર્ચાઓ હાલ આ સ્થિતિ સામે આવ્યા બાદ થી ટોક ઓફ ઘી ટાઉન બની છે.
કહેવાય રહ્યું છે કે આ પ્રકારે નિયમોને નેવે મૂકી ફરતા ઇકો ધારકો, તુફાન ગાડીના ચાલકો અને છકડાવાળા કેટલાક વચેટિયા ઓને મહિનાનું ભારણ કે હપ્તા પણ આપતાં હોય છે, તે જ બાબત ને લઈ પોલીસ વિભાગ કે આરટીઓ આ પ્રકારે બિન્દાસ અને બફામ ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડી ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી ન કરવા મજબુર બનતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.