સુરતના વરાછા વિસ્તારમાં બે દિવસ પહેલા એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 8 સામે ગુનો નોંધીને બે સગા ભાઈ સહિત કુલ 3 લોકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓ હાલ ફરાર છે. કોસ્મેટિકના વેપારીએ દુકાન સામે સિગારેટ નહીં પીવાનું કહેતા આરોપીએ તેના સાગરિતો સાથે મળી વેપારી સાથે ઝઘડો કરી તેમના ભાઈને છરી મારી હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં ઘનશ્યામ નગર ખાતે કોસ્મેટિકની દુકાન ધરાવતા વેપારીના 30 વર્ષીય ભાઈ બોબી યાદવની બે દિવસ પહેલા જાહેરમાં છરી મારી હત્યા કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા વેપારીની દુકાન બહાર સંદીપ બાગલે નામનો શખ્સ સિગારેટ પી રહ્યો હતો. આથી વેપારીએ તેણે દુકાનની બહાર સિગારેટ નહીં પીવા જણાવ્યું હતું. દરમિયાન બંને વચ્ચે નજીવી બોલાચાલી પણ થઈ હતી. જોકે, આ ઝઘડાની અદાવત રાખીને બે દિવસ બાદ સંદીપ બાગલેએ તેના ભાઈ અજય બાગલે અને અન્ય સાગરિતોને બોલાવી વેપારી સાથે માથાકૂટ કરી હતી.
આ દરમિયાન બરોડા પ્રિસ્ટેજ ખાતે સેલ્સમેન તરીકે કામ કરતો વેપારીનો નાનો ભાઈ બોબી યાદવ પણ ત્યાં પહોંચ્યો હતો અને વચ્ચે પડ્યો હતો. ત્યારે બંને ભાઈ પર સંદીપ બાગલે અને તેના સાગરિતોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં બોબી યાદવને છરી લાગતા તેનું મોત થયું હતું. જોકે, હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે વરાછા પોલીસે કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી સંદીપ બાલગે, તેનો ભાઈ અજય અને સંજય વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપી હાલ પણ ફરાર છે. આ કેસમાં પોલીસે કુલ 8થી 10 લોકો સામે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.