બોપલના એક બિલ્ડર સાથે ઓનલાઇન મિત્રતા કેળવી બિઝનેસમાં રોકાણ કરવી સારા નફાના નામે વિવિધ ટ્રાન્ઝેક્શન થકી કુલ રૂ. 62 લાખ પડાવી લેનારી યુવતી સહિત 5 આરોપીઓ પૈકી 1 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે, કોર્ટે માત્ર 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય 4 આરોપી હાલ ફરાર છે.
મળતી માહિતી મુજબ, બોપલના બિલ્ડર સંજય ગજ્જરના સોશિયલ મીડિયા પર વર્ષ 2021 માં પલક પટેલ નામની એક યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેનો સ્વીકાર કરતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. યુવતીએ બિલ્ડર સંજયભાઈનો વિશ્વાસ કેળવી બિઝનેસમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેમ કહી અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી કુલ રૂ. 62 લાખ પડાવ્યા હતા. થોડા સમય બાદ બિલ્ડર સંજયભાઈને શંકા જતા તેમણે રૂપિયા પરત માગ્યા હતા. પરંતુ, યુવતીએ અને તેના સાગરિતોએ રૂપિયા પરત કર્યા નહોતા.
યુવતી અને તેના સાગરિતોએ સંજયભાઈને ધમકી આપી હતી કે, જો તેઓ વધુ રૂપિયા નહીં આપે તો તેમની અને પલક વચ્ચે થયેલી ચેટ તેમની પત્નીને મોકલી દેશે. આમ સતત પૈસાની માંગ કરતા આખરે બિલ્ડરે કંટાળીને આરોપી પલક પટેલ, રાજેશ પટેલ, હેમલ પટેલ, રૂહાની અને હાર્દિક પ્રજાપતિ સામે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે કાર્યવાહી કરી મૂળ મહેસાણા અને અમદાવાદમાં રહેતા ભેજાબાજ હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી હતી. પોલીસે હાર્દિકને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, હાલ પણ અન્ય આરોપી ફરાર છે અને પોલીસ તેમણે શોધી રહી છે.