વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી હમેશાં ચર્ચામાં રહેતી હોય છે. ત્યાર હવે યુનિ.માં કોમર્સ ફેકલ્ટીમાં FY બી.કોમ વર્ષ 2023-24 માં એડમિશનના ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈ NSUI ના સભ્યો દ્વારા હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી સંગઠન NSUIના સભ્યો દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે, જેમાં કહેવાયું છે કે, એફવાય બી.કોમ.-2023-24ના પ્રવેશ ફોર્મ આપવામાં આવ્યા હતા. જોકે, કેટલાક વિદ્યાર્થીઓ અમુક અંગત કારણોસર ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આવી શક્યા નહોતા, જેમાં 70થી 90 ટકા ધરાવતા વિદ્યાર્થીઓ પણ સામેલ છે જેઓ એડમિશનથી હાલ વંચિત છે. આથી યુનિ. દ્વારા ફરીથી આવા વિદ્યાર્થીઓને નવી તારીખ આપવામાં આવે, જેથી તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકે.
વિદ્યાર્થીઓનું વર્ષ બગડતા અટકે એ માટે તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ આવવાની માગ કરાઈ રહી છે. આ માટે યુનિ. હેડ ઑફિસ ખાતે વિરોધ દાખવવામાં આવ્યો હતો. સાથે જ NSUIના સભ્યોએ જણાવ્યું કે, માગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એક સભ્ય જણાવ્યું કે, વારંવાર રજૂઆત કરવા છતાં આ અંગે ડીન દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે વાઇસ ચાન્સેલર તો મળતા જ નથી. ના છૂટકે આરટીઆઇના માધ્યમથી કોર્ટનો સહારો લેવો પડે તેવી હાલત થઈ છે.