સુરતના ઓલપાડ તાલુકામાં વિદેશી દારૂના વેચાણમાં બેફામ બનેલા નામચીન બુટલેગરો હવે દારૂના વેચાણમાં મોટી કમાણી કરી લેવા હલકી કક્ષાનો લૂઝ પેકિંગમાં દારૂ લાવી તેનું બ્રાંડેડ કંપનીના નામે બોટલોમાં રિ-પેકિંગ કરી બજારમાં ઊંચી કિમતે વેચવાનું ફરી એક નેટવર્ક એલ.સી.બીના હાથે પકડાયું છે. કરમલા ગામે ભાડાના મકાનમાં હલકી ગુણવત્તાનો દારૂનો મોટો જથ્થો લાવી રિ-પેકિંગ કરવાના સ્થળથી ખાલી તથા ભરેલી બોટલ સાથે દારૂનો જથ્થો, પેકિંગ મશીન સાથેની વિવિધ સામગ્રી મળી કુલ રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી મુખ્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ઓલપાડ તાલુકાને દારૂના વેચાણ અને કાર્ટિંગમાં બદનામ કરનારા નામચીન બુટલેગરોએ હવે પોલીસથી બચવા દારૂના વેચાણમાં લૂજ દારૂ મંગાવી રિ-પેકિંગ કરી વેચવાનો નવો કીમિયો શોધ્યો છે. ત્યારે અગાઉ અટોદરા ગામની સીમમાં બંધ ફેક્ટરી ખાતે કુલિન વોટરની આડમાં બનાવટી દારૂ રિપેકિંગ કરવાના નેટવર્ક બાદ ઓલપાડ તાલુકાનાં કરમલા ગામની સીમમાં આવેલ આનંદો ગ્રીનવેલી સોસાયતી ખાતે ભાડાનું મકાન રાખી ચિરાગ ફતેસિંગ પઢિયાર અને ધવલ જયંતીભાઈ પટેલ એ સાથે મળી મોટા પાયે હલકી ગુણવત્તાનો વિદેશી દારૂ લાવી તેમાં અલગ અલગ કેમિકલ મિશ્રણ કરી બનાવટી વિદેશી દારૂની મોંઘીદાટ બ્રાંડેડ કંપનીની ખાલી જૂની બોટલોમાં ભરી મશીન દ્વારા પેકિંગ કરી બનાવટી દારૂનો વેપલો કરી રહ્યા હતા.
ઓલપાડ તાલુકામાં ચાલી રહેલા વિદેશી દારૂનાં કારખાનાની માહિતી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસને થતા એલસીબીએ છાપો માર્યો હતો.જે ઘરમાં કારખાનું ચાલતું હતું એ ઘર જોઈ એલસીબી પણ ચોંકી ગઈ હતી. એલસીબી પોલીસે દારૂનો જથ્થો સાથે દારૂની બોટલ પર લગાવવાના બુચ તથા ખાલી અને દારૂ ભરેલી બોટલ, એક કાર, મોપેડ સાથે અન્ય સામગ્રી મળી કુલ 8,01,761 નો મુદ્દામાલ કબજે કરીને ચિરાગ ફતેસિંગ પઢિયાર તથા ધવલ જયંતીભાઈ પટેલને વોન્ટેડ બતાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળથી જે હલકી ગુણવત્તાના દારૂ સાથે મિશ્રણ કરી બનાવટી દારૂના કામે લેવાતા જુદા-જુદા કેમિકલો આવ્યા હતા. એ કેમિકલની વધુ તપાસ માટે એફ.એસ.એલની મદદ લીધી હતી. ત્યારે હાલ પરિક્ષણ રિપોર્ટ બાદ જ કેમિકલ વિશે સાચી માહિતી મળશે. તેમ જ કેટલા સમયથી દારૂ રિ-પેકિંગ કરવા સાથે કોને-કોને અને કેટલો દારૂ વેચ્યો છે તેની માહિતી બુટલેગરો પકડાયા બાદ જ જાણવા મળશે.