કેનેડામાં જ્યારથી ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યા કરવામાં આવી છે ત્યારથી ભારત સાથે તણાવ (India-Canada Row) ચાલી રહ્યો છે. ભારતે કેનેડાના PM જસ્ટિન ટુડો (Justin Trudeau)ના આરોપોને ફગાવી દીધા હતા અને તેના પર જરુરી પગલાં પણ લેવાઈ રહ્યા છે ત્યારે હવે કેન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે કેનેડામાં વસતા ભારતીય લોકો માટે કોન્સ્યુલર સેવા ચાલુ છે.
કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ બે દિવસ પહેલા જ સોશ્યલ મીડિયા પોસ્ટ X(અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી કે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો માટે પાસપોર્ટ ઈશ્યુ કરવા, પાસપોર્ટ રિન્યુઅલ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને વેરિફિકેશન જેવી કોન્સ્યુલર સેવાઓ ચાલુ છે. આ પહેલા ગુરુવારે જાહેરાત કરી હતી કે કેનેડિયન નાગરિકોને હાલના સમયમાં ભારતના વિઝા મળશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે કેનેડામાં હાઈ કમિશન અને કોન્સ્યુલેટને સુરક્ષા જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે ભારત કેનેડાથી વિઝા અરજીઓ પર પ્રક્રિયા કરવામાં કામચલાઉ ધોરણે અસમર્થ છે.
કેનેડાના PM જસ્ટિન ટુડોએ કેનેડિયન સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી વિશે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે કેનેડાની સુરક્ષા એજન્સીઓ આ કેસ મામલે તપાસ કરી રહી છે. આ ઉપરાતં સંસદમાં વધુમાં જણાવતા હતું કે, પીએમ મોદીને કહેવામાં આવ્યું છે કે, જો ભારત સરકાર આ મામલામાં કોઈપણ રીતે સામેલ હશે તો તે સ્વીકાર્ય નહીં હોય અને તપાસમાં સહયોગની પણ માગ કરી હતી.