ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના નડિયાદ વિભાગ દ્વારા આગામી તા.૨૧ થી તા.૨૩ સપ્ટેમ્બર – ૨૦૨૩ દરમિયાન સ્પોર્ટ્સ સંકુલ, મરીડા રોડ, નડિયાદ ખાતે ઓલ ઈન્ડિયા સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓની નેશનલ બેડમિન્ટન તેમજ વોલીબોલ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું ઉદ્ધઘાટન નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, એ.એસ.આર.ટી.યુના નિયામક ટી.સૂર્યાકિરણ અને જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી એમ.એ.ગાંધી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી એમ.એ.ગાંધીએ બધા રાજ્યો માંથી આવેલા એસ.ટી ખેલાડી કર્મચારીઓને સરદારની ભૂમિમાં આવકારી જણાવ્યું કે,આજે અડધું ભારત મારા સામે છે. જુદા જુદા રાજ્યો માંથી સ્પોર્ટ્સની ભાવના લઈને આવેલા ખેલાડીઓને સન્માન કરું છું. એસ.ટી. એ સરકારનું અભિન્ન ભાગ છે ,જો એસ.ટી. ના પૈડા એક દિવસ માટે રોકાઈ જાય તો સરકાર માટે ચિંતા વધી જાય એવું આપણું નિગમ છે. એસટી એ સરકારનું ફાયદો આપતું ખાતું નથી પણ નાગરિકોને સેવા આપતું ખાતું છે.વધુમાં તેમને જણાવ્યું કે રમત આપણને સ્પોર્ટ્સમેન સ્પિરીટ શીખવાડે છે અને સાથે સાથે લાઇફસ્ટાઇલ પણ શીખવાડે છે. તેથી તમામ ખેલાડીઓ સ્પોર્ટ્સમેન સ્પિરીટ સાથે આ પ્રતિયોગિતા રમશે તેવી વિનંતિ કરી હતી. વધુમાં તેમણે આશા વ્યક્ત કરતા આવનારા સમયમાં વધુમાં વધુ અન્ય રાજ્યોના લોકો સ્પોર્ટ્સ પ્રતિયોગિતામાં ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ટી.સૂર્યાકિરણ એ ગુજરાતના એસ.ટી નિગમનો આભાર માનતા જણાવ્યું કે, એસ.ટીના કર્મચારીઓ દેશના નાગરિકોને એક જગ્યાએ થી બીજી જગ્યાએ નજીવા ભાડામાં લઈને જાય છે. પોતાના તહેવારોમાં ભૂલીને બીજાને તેમના ઘરે તહેવાર ઊજવવા પહોંચાડે છે. શ્રી ટી.સૂર્યાકિરણએ એસ.ટી સાથે જોડાયેલા અન્ય રાજ્યો માંથી રમત માટે આવેલા ખેલાડી કર્મચારીઓનો આભાર માન્યો તેમજ ગુજરાતની મહેમાનગતિ બિરદાવી જણાવ્યું કે, ગુજરાત સમગ્ર ભારતમાં બધી બાબતમાં આગેવાની કરી છે. આજે જુદા જુદા રાજ્યો માંથી આવેલા ખેલાડીઓને નજીવી બાબતની પણ તકલીફ ન પડી અને રમવા માટે નેશનલ રમત જેવા મેદાનની સુવિધા આપી તે માટે ગુજરાત સરકારનો આભાર માન્યો.
અન્ય રાજ્યો માંથી આવેલા ખેલાડી કર્મચારીઓએ સ્પોર્ટ્સ પ્રતિજ્ઞા લઈને રમતની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારત માંથી કલ્યાણા કર્નાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, નોર્થ વેસ્ટર્ન કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, બેંગ્લોર મેટ્રોપોલિયન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, આંદ્રપ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, પુણે મહાનગર પરિવહન મહામંડળ લિમિટેડ, કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન મળીને કુલ ૧૬૦ ખેલાડી કર્મચારીઓ પ્રતિયોગિતામાં ભાગ લેવા આવ્યા હતા. આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, એ.એસ.આર.ટી.યુના નિયામક ટી.સૂર્યાકિરણ, જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી એમ.એ.ગાંધી સહીત જી.એસ.આર.ટી.સી.ના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ