ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના જળસ્તર વધ્યા બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થતા નદી કાંઠા વિસ્તારોમાં ભારે તારાજીનું નિર્માણ થયું હતું, અચાનક જળ સ્તર વધતા ભરૂચ અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
નર્મદા નદીના જળ સ્તર ઘટ્યા બાદ નીચાણવાળા વિસ્તારમાં સ્થિતિ સુધરી હતી પરંતુ ઘર વખરી અને દુકાનમાં રહેલા સામાનને મોટી નુકશાની થઈ હતી જે બાદ સ્થિતિ અંગેના ચિતાર મેળવવા હવે રાજકીય નેતાઓએ ભરૂચ જિલ્લામાં ધામા નાંખવાના શરૂ કર્યા છે.
આજરોજ ભરૂચના પ્રભારી અને મંત્રી કુંવરજી હળપતિ તથા ભાજપના આગેવાનો પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા પરંતુ લોકોમાં આક્રોશનો ભોગ મંત્રી એ બનવું પડ્યું હતું, સ્થાનિકોએ મંત્રીનો ઘેરાવો કરી તેઓ એક રૂપિયો સહાય નહીં આવે અમને ખબર છે, તેવી બાબતે હોબાળો મચવ્યો હતો.
પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા મંત્રી અને ભાજપના આગેવાનોનો ઘેરાવો થતા અને લોકોનો આક્રોશ જોઈ તેઓએ પણ ચાલતી પકડી હતી અને ભરૂચ દાંડિયા બજારથી મંત્રી સહિતનો કાફલો અંકલેશ્વર તરફ રવાનો થયો હતો.